NHS સહિત કંપનીઓ સાથે ફ્રોડ બદલ ૧૧ વર્ષની જેલ

Wednesday 05th May 2021 06:34 EDT
 
 

લંડનઃ NHSના પૂર્વ ફાઈનાન્સ વડા અને ૫૩ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સ્ટીફન ડેને અનેક કંપનીઓ અને હેલ્થ સર્વિસ સાથે ૧.૪ મિલિયન પાઉન્ડની છેતરપિંડી મુદ્દે લીડ્ઝ ક્રાઉન કોર્ટ દ્વારા ૧૧ વર્ષ અને પાંચ મહિનાની સજા કરાઈ છે. તેના પર કોઈ કંપનીના ડાયરેક્ટર બનવા સામે ૯ વર્ષનો પ્રતિબંધ પણ લગાવાયો છે.

પોલીસ ઈન્વેસ્ટિગેટર્સ અને NHSની કાઉન્ટર ફ્રોડ ઓથોરિટીને જણાયું હતું કે ડેએ સ્કોટલેન્ડમાં કેટલીક પ્રોપર્ટી ખરીદી છે અને દુબાઈમાં રજાઓની મોજ માણી હતી. તેણે અશક્ત વયસ્કોને હોમ વિઝિટ, NHSને સેવા આપતી તેમજ પ્રોપર્ટી મેનેજમેન્ટ અને રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ સહિત કેટલીક કંપનીઓને નિશાન બનાવી હતી. તેણે ઓગસ્ટ ૨૦૧૧થી સપ્ટેમ્બર ૨૦૧૪ના ગાળામાં ગુનાઓ આચર્યા હતા. લીડ્ઝ ક્રાઉન કોર્ટના જજ સાયમન બાટિસ્ટેએ તેને મોટા પાયા પરના અપ્રામાણિક વ્યક્તિ તરીકે ગણાવ્યો હતો.

બિઝનેસીસમાં સત્તા અને વિશ્વાસ ધરાવતા પદ પર હોવા સાથે તે તેમના બેન્ક એકાઉન્ટ્સનો નાણાકીય અંકુશ હાથમાં લઈ લેતો હતો અને તેમાંથી મોટી રકમો ગુમ થતી હતી. સપ્લાયરોના ખાતામાં રકમો જમા થવાના બદલે સ્ટીફન ડેના અંગત બેંકખાતામાં જમાં થતી હતી. જોકે, નાણાનો કાયદેસર ઉપયોગ થતો હોવાનું દર્શાવવા તે બનાવટી દસ્તાવેજો પણ ડાયરેક્ટર્સને બનાવતો હતો. ઘણી કંપનીઓએ તેમના નાણા ગુમ થવા વિશે ગ્રેટર માન્ચેસ્ટર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

સ્ટીફન ડે એક તરફ, પ્રાઈવેટ કંપનીઓને સલાહ આપતો હતો તેની સાથોસાથ અસંખ્ય NHS ટ્રસ્ટ્સ માટે કન્સલ્ટન્ટ ફાઈનાન્સિયલ ડાયરેક્ટર તરીકે પણ કામ કરતો હતો જેના માટે તેને દિવસના ૨,૦૦૦ પાઉન્ડ સુધીની રકમો ચૂકવાતી હતી. બીમારી, કેન્સર, કારના અકસ્માતો તેમજ પિતાના મોતના ખોટાં બહાનાં કરવા સાથે NHSમાંથી વેતન પણ મેળવતો હતો. આના પરિણામે NHSને ૮૮,૦૦૦ પાઉન્ડની વેતનખોટ ગઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter