NHS હોસ્પિટલોમાં પેશન્ટ્સ અને નાઈટ સ્ટાફ માટે ફ્રી પાર્કિંગ સુવિધા

Wednesday 08th January 2020 01:40 EST
 
 

લંડનઃ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થની યોજના અન્વયે ઈંગ્લેન્ડની તમામ NHS હોસ્પિટલોમાં હજારો પેશન્ટ્સ અને મુલાકાતીઓ માટે એપ્રિલ ૨૦૨૦થી ફ્રી પાર્કિંગની સુવિધા પ્રાપ્ત કરાવાશે. બ્લુ બેજ હોલ્ડર્સ અને નિયમિત એપોઈન્ટમેન્ટ આવતા દર્દીઓ તેમજ હોસ્પિટલોના નાઈટ શિફ્ટ કર્મચારીઓ માટે પાર્કિંગ સુવિધા મફત થશે. આ જાહેરાતને આવકાર અપાવા સાથે NHSના વિશાળ કદને ધ્યાનમાં રાખી ટોરી સરકારના અન્ય વચનો પરિપૂર્ણ કરવાની માગણી પણ થઈ છે.

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે કચડાયેલા વંચિત લોકો અને નાઈટ શિફ્ટમાં કાર્યરત સ્ટાફને કાર પાર્કિંગનું પેમેન્ટ કરવું પડે છે તે ચિંતાનો વિષય છે. દરેક હોસ્પિટલોએ પરિસ્થિતિ અલગ હોય છે. હવે એપ્રિલ મહિનાથી દેશભરમાં સૌથી વધુ જરૂરિયાત ધરાવતા અક્ષમ લોકો, હોસ્પિટલોમાં બીમાર બાળકો સાથે રાત્રિરોકાણ કરતા પેરન્ટ્સ અને નાઈટ શિફ્ટના સ્ટાફે પાર્કિંગ માટે ચુકવણી કરવી પડશે નહિ.

ઈંગ્લેન્ડની તમામ NHS હોસ્પિટલોમાં બ્લુ બેજ હોલ્ડર્સ, લાંબા ગાળાની બીમારીઓ માટે નિયમિત સારવાર એપોઈન્ટમેન્ટ માટે આવતા હજારો પેશન્ટ્સ, બીમાર બાળકો સાથે રાત્રિરોકાણ કરતા પેરન્ટ્સ તેમજ નાઈટ શિફ્ટના સ્ટાફ માટે પાર્કિંગ સુવિધા મફત કરવામાં આવશે. હોસ્પિટલ ટ્રસ્ટો દ્વારા પોતાની કાર પાર્કિંગ વ્યવસ્થા ચલાવાય છે અને તેમાંથી મળતો નફો સારસંભાળમાં ફરીથી રોકાણ કરવામાં આવે છે. અગાઉના અભ્યાસ અનુસાર ઈંગ્લેન્ડમાં ત્રણમાંથી એક હોસ્પિટલે ગયા વર્ષે તેમની પાર્કિંગ ફી વધારી હતી. સંશોધન મુજબ હોસ્પિટલો ૨૦૧૮-૧૯માં પાર્કિંગ ફીમાંથી ૨૫૪ મિલિયન પાફન્ડથી વધુ રકમ મેળવી હતી, જે તેની અગાઉના વર્ષની સરખામણીએ ૧૦ ટકા વધુ હતી.

મફત કારપાર્કિંગ સુવિધાના કારણે ટ્રસ્ટોની નાણાકીય સ્થિતિને થનારી અસરનું વળતર આપવા હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા અલગ ભંડોળ બાજુએ રખાવાનું નથી. જોકે, વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ નીતિથી સારસંભાળને અસર ન થાય તેની ચોકસાઈ માટે તેઓને ટેકો અવશ્ય કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter