NHSના હજારો કર્મચારીને લોન્ગ કોવિડઃ પેશન્ટ્સની કાળજીને અસર

Wednesday 28th April 2021 05:27 EDT
 
 

લંડનઃ NHSના હજારો કર્મચારી લોન્ગ કોવિડની અસરથી પીડાતા હોવાથી પેશન્ટ્સની સારસંભાળ પર ભારે અસર પડી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના જણાવ્યા અનુસાર હેલ્થ સર્વિસના ઓછામાં ઓછાં ૧૨૨,૦૦૦ વર્કર્સને લોન્ગ કોવિડની અસર છે. અન્ય કોઈ પણ ઓક્યુપેશનલ ગ્રૂપ અને અસરગ્રસ્ત ૧૧૪,૦૦૦ શિક્ષકો કરતાં પણ આ સંખ્યા વધુ છે. સમગ્ર યુકેમાં ૧.૧ મિલિયન લોકોને લોન્ગ કોવિડની અસરથી પીડાય છે.

લોન્ગ કોવિડની અસરથી પીડાતા હેલ્થ વર્કર્સ માત્ર પાર્ટ-ટાઈમ કામ કરી શકે છે, તેમની રોજિંદી કામગીરી બજાવવા માટે ઘણા અશક્ત હોય છે તેમજ તેઓને પીડા રહેવાથી, થાકી જવાથી અથવા ‘બ્રેઈન ફોગ’હોવાથી વધુ સમય કામકાજથી દૂર રહેવું પડે છે. આની સીધી અસર પેશન્ટ્સની સારસંભાળ પર પડે છે. લોન્ગ કોવિડ આગામી મહિનાઓ અને સંભવતઃ મહિનાઓ સુધી માટે NHS પડકારજનક બની રહેશે.

ડોક્ટર્સનું પ્રતિનિધિત્વ કરતા બ્રિટિશ મેડિકલ એસોસિયેશન ડો. હેલેના મેકકીઓનના જણાવ્યા અનુસાર,‘આ ચાલી રહેલી બીમારી વ્યક્તિગત ડોક્ટર્સ પર શારીરિક અને કામકાજથી દૂર રહેવા પડતી ફરજની ભયાનક અસર ઉપજાવે છે. મહામારીથી ગ્રસ્ત કર્મચારીઓની અછત છે ત્યારે આ પરિસ્થિતિ આરોગ્યસેવા પર વધુ બોજો લાવે છે. ઈંગ્લેન્ડમાં NHSમાં બીમારીની આશરે ૩૦,૦૦૦ ગેરહાજરી કોવિડની સાથે સંકળાયેલી છે અને વધુ સ્ટાફ બીમાર થાય તે પોસાય તેમ નથી.’

તમામ પ્રોફેશન્સમાં હેલ્થકેર વર્કર્સમાં લગભગ ૪ ટકા- આશરે ૧૨૨,૦૦૦ને લોન્ગ કોવિડનો ઊંચો દર સતાવે છે. કોવિડ -૧૯ના લીધે લાંબી અસર તરીકે થાક, નબળાઈ અને હાંફ- શ્વાસોચ્છવાસના લક્ષણોની તકલીફ સર્જાય છે. ONS મુજબ સોશિયલ કેરના ૩૦,૦૦૦ વર્કર્સ પણ લોન્ગ કોવિડના લક્ષણો ધરાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter