લંડનઃ અમેરિકાની વગશાળી થિન્ક ટેન્ક કોમનવેલ્થ ફંડ દ્વારા વિશ્વના ૧૧ સમૃદ્ધ દેશોની હેલ્થકેર સિસ્ટમના પરફોર્મન્સના વિશ્લેષણ પછી અત્યાર સુધી વિશ્વમાં પ્રથમ ક્રમે રહેલી યુકેની નેશનલ હેલ્થ સર્વિસ (NHS)ને ચોથા ક્રમે મૂકી છે. પ્રથમ ત્રણ ક્રમે અનુક્રમે નોર્વે, ધ નેધરલેન્ડ્ઝ અને ઓસ્ટ્રેલિયાને અપાયા છે. થિન્ક ટેન્કનું કહેવું છે કે કોરોના મહામારી પછી લોકોને સારવાર માટે લાંબો સમય રાહ જોવી પડે છે તેનાથી NHSની શ્રેષ્ઠતાનો તાજ છીનવાયો છે.
વોશિંગ્ટનસ્થિત થિન્ક ટેન્ક કોમનવેલ્થ ફંડના ૨૦૧૭ અને ૨૦૧૪ના રિપોર્ટમાં NHSને ટોપ-રેટેડ હેલ્થકેર સિસ્ટમ ગણાવાઈ હતી પરંતુ, તેના ૨૦૨૦ના રિપોર્ટમાં NHS ચોથા ક્રમે મૂકાઈ છે. યુએસમાં હેલ્થકેર પાછળ સૌથી વધુ ખર્ચ કરાતો હોવાં છતાં ત્યાંની સિસ્ટમને સૌથી ખરાબ ગણવામાં આવી છે. થિન્ક ટેન્કે બ્રિટિશ આરોગ્યસેવાના પતન માટે આરોગ્યના મૂલ્યાંકન અને સારવાર મેળવવામાં પેશન્ટને સહેવો પડતો અક્ષમ્ય વિલંબ, આરોગ્યસેવામાં ઈન્વેસ્ટમેન્ટ્સનો અભાવ તેમજ ગરીબીને કારણભૂત ગણાવ્યાં છે.
યુકેની અગ્રણી હેલ્થ થિન્ક ટેન્ક કિંગ્સ ફંડના ચીફ એનાલિસ્ટ શિવા આનંદાસિવાએ જણાવ્યું હતું કે,‘ આ રિપોર્ટ અનુસાર એક સમયે વિશ્વમાં શ્રેષ્ઠ ગણાયેલી આપણી આરોગ્ય સેવા હજુ નીચે જઈ શકે છે જેના માટે લોકો આરોગ્યસંભાળની ઝડપી સુવિધા પ્રાપ્ત કરી શકે તેમાં ભારે વિલંબ મુખ્ય જવાબદાર છે. આને આપણે પેશન્ટ્સ, સ્ટાફ અને સેવા પર કોવિડ મહામારીની અસર તરીકે ગણાવી શકીએ નહિ. કોવિડ અગાઉ પણ વર્કફોર્સની કટોકટી અને એક દશકાના લગભગ બંધ થયેલા ભંડોળ પછી સારવાર માટે વેઈટિંગ યાદીઓ ઘણી લાંબી રહેતી હતી.’
કોમનવેલ્થ ફંડના ‘Mirror, Mirror 2021’ રિપોર્ટના મુખ્ય લેખક એરિક સ્નિડેરના જણાવ્યા મુજબ યુકેમાં આરોગ્યસંભાળની સુવિધા પ્રાપ્ત કરવામાં ઘણો લાંબો સમય જાય છે. લગભગ ૬૦ ટકા વયસ્કોને કસમયે આરોગ્યસંભાળ મેળવવી ઘણી મુશ્કેલ જણાઈ હતી. આરોગ્ય સુવિધા, વહીવટી ક્ષમતા અને ઈક્વિટીના મામલે ચોથા ક્રમે રહ્યા પછી તબીબી સારવારના પગલે પેશન્ટ્સના સાજા થવાના મુદ્દે NHS નવમા ક્રમે રહી હતી. માનસિક આરોગ્ય સમસ્યામાં મદદના મામલે યુકે અને ફ્રાન્સ સૌથી નીચલા ક્રમે રહ્યા હતા.