લંડનઃ હેલ્થ સર્વિસ સંસ્થાઓના પ્રતિનિધિઓ NHS કોન્ફેડરેશન અને NHS પ્રોવાઈડર્સના જણાવ્યા અનુસાર પેશન્ટ્સ ખરેખર મુશ્કેલીમાં છે. પેશન્ટ્સની સારવારના બેકલોગ પૂરા કરવામાં દર વર્ષે વધારાના ૧૦ બિલિયન પાઉન્ડની જરૂર છે. હાલ ઈંગ્લેન્ડના NHS વેઈટિંગ લિસ્ટમાં વિક્રમજનક ૫.૫ મિલિયન પેશન્ટ્સ છે અને ૩૦૦,૦૦૦થી વધુ પેશન્ટ્સ સારવાર માટે એક વર્ષ કરતા વધુ સમયથી રાહ જોઈ રહ્યા છે. જો વધારાનું ભંડોળ નહિ મળે તો વેઈટિંગ લિસ્ટ ૧૩ મિલિયનના આંકડે પહોંચી જશે અને તે બેકલોગને ક્લીયર કરવામાં સાત વર્ષ લાગી શકે છે. આ ઉપરાંત, કેન્સરની સારવાર અને હાર્ટ કેરમાં મળેલા ફાયદા તેમજ માનસિક આરોગ્ય સર્વિસીસની પ્રગતિમાં પીછેહઠ થશે.
ગત બે વર્ષમાં કોવિડ પેશન્ટ્સની સારવારને પ્રાથમિકતા અપાઈ હોવાથી ઓપરેશન્સ, સ્કેનિંગ્સ અને એપોઈન્ટમેન્ટ્સ રદ કરાયાં હતાં. હવે લાખો પેશન્ટ્સ સારવાર લેવા આગળ આવશે જેનાથી NHS પર દબાણ વધી જશે. હેલ્થ સર્વિસને બેકલોગમાંથી બહાર આગામી ત્રણ વર્ષ માટે દર વર્ષે ૩.૫થી ૪.૫ બિલિયન પાઉન્ડના ભંડોળની જરૂર રહેશે. આ ઉપરાંત, મહામારીથી સર્જાયેલા વધારાના ખર્ચને પહોંચી વળવા દર વર્ષે ૪થી ૫ બિલિયન પાઉન્ડનું ભંડોળ જોઈશે.


