NHSનું ૧૩.૪ બિલિયન પાઉન્ડનું દેવું માંડવાળ કરાશે

Wednesday 08th April 2020 04:19 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ (કોવિડ-૧૯)ની મહામારી સામે નેશનલ હેલ્થ સર્વિસ વધારે અસરકારક રીતે કામ કરી શકે તે માટે બ્રિટન સરકાર દ્વારા નેશનલ હેલ્થ સર્વિસનું દેવું માંડવાળ કરવાનું નોંધપાત્ર પગલું ભરવામાં આવ્યું છે. કોરોના વાઇરસના લક્ષણ દેખાતા આઇસોલેશનમાં હોવા છતાં આરોગ્ય સચિવ મેટ્ટ હેન્કોકે એક પત્રકાર પરિષદ યોજીને આ એનએચએસ સંબંધી આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના સંકટ વચ્ચે એનએચએસને કોઇ સાધન સામગ્રીની અછત ના પડે તથા આર્થિક અવરોધ ના આવે તે માટે એનએચએસનું જંગી ૧૩.૪ બિલિયન પાઉન્ડનું દેવું માંડવાળ કરવાનો નિર્ણય સરકારે લીધો છે.

આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે કોમ્યુનિટી ફાર્મસી માટે અમે ૩૦૦ મિલિયન પાઉન્ડનું ભંડોળ હાથ પર રાખ્યું છે જેથી નાગરિકોને સામાજીક સ્તરે મહત્ત્વપૂર્ણ દવાઓ સરળતાથી મળી રહે. તેમણે એ પણ જાહેરાત કરી હતી કે આ મહિનાના અંત સુધીમાં યુકેમાં દરરોજ એક લાખ કોરોના વાઇરસ ટેસ્ટ હાથ ધરી શકાશે. પોતે સેલ્ફ આઇસોલેશનમાં હોવા છતાં સરકારી નિયમનો ભંગ કરીને આ મહત્ત્વની જાહેરાત કરી હતી.

આ ઉપરાંત કોરોના સામેની લડતના ભાગરૂપે આરોગ્ય સચિવે પોતાની વ્યૂહરચનાના પાંચ મહત્ત્વના મુદ્દા જણાવ્યા હતા, જે આ મુજબ છેઃ

• પીએચઈ લેબ ખાતે સ્વેબ ટેસ્ટની દૈનિક સંખ્યા વધારીને ૨૫૦૦૦ કરાશે

• સ્ક્રિનિંગ વ્યવસ્થા માટે સંશોધન સંસ્થાનો અને ખાનગી ક્ષેત્રને સામેલ કરાશે

• જો અસરકારક નિવડશે તો એન્ટીબોડી ટેસ્ટનો રજુ કરાશે

• સમુદાય પરીક્ષણને પ્રોત્સાહન અપાશે અને

• યુકેના એકંદર ડાયગ્નોસ્ટિક ઉદ્યોગને વિસ્તૃત કરાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter