લંડનઃ NHS ઈંગ્લેન્ડને તત્કાળ વધારાના ૮ મિલિયન પાઉન્ડના ભંડોળની તાતી જરુર છે. કોવિડ મહામારી દરમિયાન અનેક સર્જરી પડતર રહી હતી તેનો બેકલોગ પૂરો કરવા આ નાણાની જરુર છે. નાણા નહિ મળે તો હોસ્પિટલોએ ગણતરીના દિવસોમાં તેમની સેવામાં કાપ મૂકવાની ફરજ પડશે તેવી ચેતવણી હેલ્થ સર્વિસના નેતાઓએ ચાન્સેલર રિશિ સુનાકને આપી છે. ૨૦૨૧-૨૨નું નાણાકીય વર્ષ શરુ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ટ્રેઝરી અને NHS ઈંગ્લેન્ડ વચ્ચે મડાગાંઠ સર્જાઈ છે.
સારસંભાળ આપતી મોટા ભાગની NHS સંસ્થાઓની પ્રતિનિધિ NHS Confederationના ચીફ એક્ઝિક્યુટિવ ડેની મોર્ટિમેર દ્વારા ચાન્સેલર સુનાકને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે નવા નાણાકીય વર્ષને ગણતરીના દિવસો બાકી છે ત્યારે NHSનું બજેટ તૈયાર થઈ શક્યું નથી. જો ટ્રેઝરી દ્વારા સંમત રકમ નહિ અપાય તો મહામારીની ખરાબ અસરોમાં સારવારના બેકલોગ અનેલોન્ગ કોવિડ તથા માનસિક આરોગ્યની સારવારની વધારાની માગને જોતાં નવા નાણાવર્ષની શરુઆતમાંઘણી સર્વિસીસમાં કાપ મૂકવાની ફરજ પડશે.
NHS બોસીસ માને છે કે તેમને હેલ્થ સર્વિસના રોજબરોજના ખર્ચા આવરી લેતાં મુખ્ય બજેટ ઉપરાંત, વધારાના ૮ મિલિયન પાઉન્ડના ભંડોળની જરુર છે. વધારાના ભંડોળમાંથી ફ્રન્ટલાઈન સ્ટાફ માટે કોવિડ ટેસ્ટિંગ, PPE કિટ્સ અને ચેપનિયંત્રણ પગલાંની કામગીરી કરી શકાશે. મોર્ટિમેરે આક્ષેપ લગાવ્યો છે કે કોવિડનો સામનો કરવા હેલ્થ સર્વિસને જે જરુર હશે તે તમામ આપવાના વચનમાંથી ચાન્સેલર પીછેહઠ કરી રહ્યા છે.


