લંડનઃ વિશ્વના વિકસિત દેશોની સરખામણીએ બ્રિટન હેલ્થકેરના ક્ષેત્રે ઘણું પાછળ છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ૩૪ દેશોમાં આરોગ્યસંભાળની સરખામણી કરવામાં આવી હતી. તેના રિપોર્ટ અનુસાર યુરોપના પશ્ચિમી પડોશીઓનાં ધોરણે આવવા માટે NHSને વધુ ૫૦,૦૦૦ નર્સીસ અને ૨૬,૫૦૦ ડોક્ટર્સની જરૂર છે અને તે માટે પાંચ બિલિયન પાઉન્ડનો ખર્ચ કરવો પડે તેમ છે. હેલ્થકેરમાં OECD દેશોની સરેરાશ કરતા પણ બ્રિટનમાં ઓછો ખર્ચ કરાય છે. વર્ષ ૨૦૦૯થી ૨૦૧૩ના ગાળામાં હેલ્થકેરમાં વાસ્તવિક ખર્ચની વૃદ્ધિ શૂન્ય ટકા હતી. હેલ્થકેરના ક્ષેત્રે વધુ ખર્ચ કરનારા દેશોમાં ફ્રાન્સ, કેનેડા, બેલ્જિયમ, જર્મની ન્યૂ ઝીલેન્ડ અને ડેન્માર્કનો સમાવેશ થાય છે.
યુકેમાં ડોક્ટર્સ અને નર્સીસનું પ્રમાણ ઘણું ઓછું છે. OECD દેશોમાં દર ૧,૦૦૦ની વસ્તીએ ડોક્ટરનું સરેરાશ પ્રમાણ ૩.૩ અને નર્સીસનું સરેરાશ પ્રમાણ ૯.૧નું છે, જ્યારે બ્રિટનમાં આ સરેરાશ અનુક્રમે ૨.૮ અને ૮.૨ની છે. ગ્રીસ, ઈટાલી, જર્મની, સ્પેન, પોર્ટુગલ, સ્વીટ્ઝર્લેન્ડ, ઝેક રિપબ્લિક, ઈઝરાયલ અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં ડોક્ટર્સની વધુ સંખ્યા છે.
બ્રિટન સર્વાઈકલ કેન્સરમાંથી ઉગરવાના દરમાં ૨૩ દેશોમાં ૨૧મું સ્થાન ધરાવે છે, જ્યારે બ્રેસ્ટ અને આંતરડાના કેન્સરમાં ૨૦મા સ્થાને છે. બ્રિટનમાં હાર્ટ એટેક અને સ્ટ્રોકની સારવાર કેનેડા, ઈટાલી, નેધરલેન્ડ્સ અને સ્પેન સહિત અન્ય OECD દેશો કરતા પણ ખરાબ છે. હાર્ટ એટેકથી થતાં મૃત્યુદરમાં તેનું સ્થાન ૩૨ દેશોમાં ૨૦મુ છે, જ્યારે સ્ટ્રોકથી મૃત્યુદરમાં ૩૧ દેશોમાં ૧૯મા સ્થાને છે. OECD દેશોમાં પુખ્ત વયના સરેરાશ ૧૯ ટકા લોકો સ્થુળતાથી પીડાય છે ત્યારે બ્રિટનની લગભગ ૨૫ ટકા વસ્તીમાં સ્થુળતાનું સ્તર ખતરનાક છે. બ્રિટનમાં ધૂમ્રપાન, આલ્કોહોલના જોખમી વપરાશ અને સ્થુળતાના ઊંચા દરનો સામનો કરવાની તાકીદે આવશ્યકતા હોવાનું પણ રિપોર્ટમાં જણાવાયું છે.


