NHSને સર્જીકલ ગાઉન પૂરા પાડવા પ્રોપર્ટી ડીલરને £૯.૬ મિલિયનનો કોન્ટ્રાક્ટ

Wednesday 02nd December 2020 05:55 EST
 
 

લંડનઃ પીપીઈ વિશે કોઈ જ્ઞાન ન ધરાવતા સ્કોટિશ પ્રોપર્ટી ડેવલપરને NHSમાટે સાધનો ખરીદવા £૯.૬ મિલિયનનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. કંપનીના ડિરેક્ટરે સ્વીકાર્યું હતું કે કોરોના મહામારી અગાઉ પીપીઈ વિશે તેઓ કશું જ જાણતા ન હતા. તેમણે કહ્યું કે તેમણે પોતાના ઘરેથી ચીની સપ્લાયર સાથે આ ડીલની ગોઠવણ કરી હતી.

પોતાના અન્ય બિઝનેસમાં મંદીને લીધે કંટાળી ગયો હોવાથી પીપીઈની ખરીદીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો હતો તેવું તેણે સ્વીકાર્યું હોવા છતાં ગયા જૂનમાં સ્કોટિશ પ્રોપર્ટી ડેવલપર રોસ હાર્પરને તેમની કંપની રોબર્ટ હાઉસલી લિમિટેડ મારફતે આ કોન્ટ્રાક્ટ અપાયો હતો.

ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થ દ્વારા જાહેર કરાયેલા કોન્ટ્રાક્ટ ડોક્યુમેન્ટ્સ મુજબ હાર્પરની કંપનીને ચીનની આન્હુઈ મેડપ્યોરેસ્ટ ટેક્નનોલોજી કંપની લિમિટેડમાં તૈયાર થનારા સર્જીકલ ગાઉન પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ અપાયો હતો. હાર્પરની કંપનીની કોઈ વેબસાઈટ નથી. ગ્લાસગોના વેસ્ટ એન્ડના ઓફિસ કોમ્પલેક્સમાં કાર્યરત કંપનીનો કંપનીઝ હાઉસમાં નોંધાયા મુજબ પ્રાઈમરી બિઝનેસ અધર એકોમોડેશન હોવા છતાં તેને આ કોન્ટ્રાક્ટ અપાયો હતો.૨૦૧૨ માં સ્થપાયેલી આ કંપનીને અગાઉ કોઈ પણ સરકારી કોન્ટ્રાક્ટ

અપાયો નથી. હાર્પરે જણાવ્યું કે મહામારીની શરૂઆતમાં તેમણે ચીનથી પીપીઈની આયાત શરૂ કરી હતી અને તેનું વેચાણ કેર હોમ્સ તથા અન્ય હેલ્થકેર ફેસિલીટીઝને કર્યું હતું. આ વેચાણને લીધે સરકારે NHS માટે ૧.૨ મિલિયન સર્જીકલ ગાઉન માટેના કોન્ટ્રાક્ટની તેમને ઓફર કરી હતી. હાર્પર મુજબ આ આઈટમ્સની યુકેમાં ડિલીવરી માટે પોતાનો ખર્ચ ઉમેરીને તેમણે બીડ મોકલ્યું હતું. પરંતુ, સરકાર સીધા જ ચીનની ફેકટરીમાંથી ગાઉન મંગાવવા સંમત થઈ હતી.

કોન્ટ્રાક્ટની વિગતોમાં જણાવાયું હતું કે કોરોના મહામારીને લીધે ઉભી થયેલી અત્યંત તાકીદને લીધે અગાઉથી સ્પર્ધાત્મક ટેન્ડરની જાહેરાત કર્યા વિના હાર્પરની કંપનીને કેશ આપી દેવાઈ હતી. મિનિસ્ટરોએ વારંવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે પીપીઈ પૂરા પાડવા અંગેના દરેક કોન્ટ્રાક્ટમાં પૂરતી યોગ્ય કાળજી લેવાઈ હતી.

પરંતુ, ફેસબુક પર પોસ્ટ કરાયેલા ઈન્ટરવ્યૂમાં હાર્પરે જીવનમાં ક્યારેય કશું જ આયાત ન કર્યું હોવાનું અને મહામારી પહેલા પીપીઈ શું છે તેના વિશે કશું જાણતા ન હોવાનું સ્વીકાર્યું હતું. પીપીઈ એટલે માસ્ક જ હોવાનું માનતા હાર્પરને પીપીઈની ઘણી વસ્તુઓ હોય છે તેવી જાણ ન હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter