લંડનઃ NHS તેના એડિક્શન ક્લિનિક્સ માટે જુગાર ઈન્ડસ્ટ્રી પાસેથી મળતાં ભંડોળ નહિ લેવાની તૈયારી કરી રહ્યું છે. આરોગ્ય સંસ્થાને ભય છે કે આના કારણે ક્લિનિક્સની કામગીરીને અસર થાય છે. નવા નાણાકીય વર્ષથી સંબંધો કાપી નાખવાનો નિર્ણય લેવાય તેવી શક્યતા છે. જાહેર આરોગ્યને નજરમાં રાખીને ગેમ્બલિંગ ઈન્ડસ્ટ્રી સાથે તમાકુ ઉદ્યોગની સમકક્ષ વ્યવહાર થવો જોઈએ તેવું દબાણ વધી રહ્યું છે.
ગત ઉનાળામાં પ્રસિદ્ધ સંશોધન મુજબ ૪૦ ટકા બેટ્સ ઓનલાઈન મૂકાય છે. ગેમ્બલિંગ કમિશનના ચાર સપ્તાહના અભ્યાસમાં ચારમાંથી એક વયસ્ક ઓનલાઈન બેટિંગમાં ભાગ લે છે. મહામારીમાં ગેમ્બલિંગ સાઈટ્સની મુલાકાત લેનારાની સંખ્યા વધી ગઈ હતી અને ઘણા લોકોએ એક ક્લિક સાથે જ જીવનભરની બચતો ગુમાવી હતી. માર્ચ ૨૦૨૧ સુધીના એક વર્ષમાં બેટિંગ કંપનીઓના ફંડ સાથેની ચેરિટી ગેમ્બલ અવેર મારફત હેલ્થ સર્વિસને ૧.૨ મિલિયન પાઉન્ડ ભંડોળ અપાયું હતું. આ ભંડોળ ઈંગ્લેન્ડમાં લંડન, લીડ્ઝ, માન્ચેસ્ટર અને સંડરલેન્ડના ગેમ્બલિંગ ક્લિનિક્સ ચલાવવા કરાતા ખર્ચના અડધાથી પણ ઓછી રકમનું હતું. ગેમ્બલ અવે ચેરિટી સ્વતંત્ર હોવાનું કહેવાય છે પરંતુ, તેને મોટા ભાગનું ભંડોળ ગેમ્બલિંગ ઈન્ડસ્ટ્રી પાસેથી મળે છે. NHS ઉપરાંત, અન્ય સંસ્થાઓ દ્વારા સંચાલિત ક્લિનિક્સમાં પણ તે ૮ મિલિયન પાઉન્ડનું ફંડ આપે છે.
ગેમ્બલિંગ એક્ટ ૨૦૦૫ સમીક્ષા હેઠળ છે ત્યારે કંપનીઓ પર નિયંત્રણો વધારવાની હાકલ સાથે હેલ્થ સર્વિસ અને ગેમ્બલિંગ ઈન્ડસ્ટ્રી વચ્ચેનો નાતો તોડવાની હાકલ પણ થઈ રહી છે. દરમિયાન, બેટિંગના જોખમો સંબંધિત સ્વતંત્ર અભ્યાસની આવશ્યકતા દર્શાવતું પેપર આગામી મહિને ધ લાન્સેટ મેડિકલ જર્નલમાં પ્રસિદ્ધ થવાની ધારણા છે.


