લંડન: નેશનલ હેલ્થ સર્વિસને વધુ આધુનિક અને કાર્યક્ષમ બનાવવાના હેતુથી સ્ટાર્મર સરકાર કિંગ્સ સ્પીચ દરમિયાન એક મહત્વપૂર્ણ કાયદો જાહેર કરવા જઈ રહી છે. આ નવા કાયદા હેઠળ ઇંગ્લેન્ડના દરેક નાગરિક માટે એક સિંગલ પેશન્ટ રેકોર્ડ તૈયાર કરાશે જે આરોગ્ય ક્ષેત્રે એક મોટું પરિવર્તન લાવશે.
અત્યાર સુધીની વ્યવસ્થામાં ફેમિલી ડોકટરો અને હોસ્પિટલો પાસે દર્દીઓનો ડેટા અલગ-અલગ રહેતો હતો અને તે એકબીજા સાથે શેયર કરવામાં આવતો નહોતો. હવે નવી સિસ્ટમ હેઠળ તમામ હોસ્પિટલો અને જીપીએ ફરજિયાતપણે દર્દીનો ડેટા એકબીજા સાથે શેયર કરવો પડશે. કોઈ પણ હેલ્થકેર પ્રોવાઈડર પાસે દર્દીનો સંપૂર્ણ તબીબી ઇતિહાસ એક ક્લિક પર ઉપલબ્ધ હશે. આ પ્રોજેક્ટ માટે સરકારે 10 બિલિયન પાઉન્ડના ડિજિટાઇઝેશન પ્રોગ્રામની જોગવાઈ કરી છે.
હેલ્થ સેક્રેટરી વેસ સ્ટ્રીટિંગે આ યોજનાને ગેમચેન્જર ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, દર્દીઓ માટે દરેક એપોઇન્ટમેન્ટ વખતે પોતાની મેડિકલ હિસ્ટ્રી ફરી-ફરીને કહેવી ખૂબ જ કંટાળાજનક હોય છે. આ નવી સિસ્ટમથી તેમાંથી મુક્તિ મળશે અને હોસ્પિટલના સ્ટાફને દર્દીની સ્થિતિ સમજવામાં સરળતા રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, કટોકટીના સમયે પેરામેડિક્સ દર્દી પાસે પહોંચે છે ત્યારે તેમની પાસે દર્દીની કોઈ વિગત હોતી નથી. આ સિસ્ટમ લાગુ થવાથી ઇમરજન્સી સેવાઓમાં પણ જાનહાનિ ઘટાડી શકાશે.


