NHSમાં દર્દીઓને 18 સપ્તાહમાં સારવાર શરૂ કરવાની યોજના!

વેઇટિંગ લિસ્ટ ઘટાડવા તમામ એનએચએસ ટ્રસ્ટે માર્ચ 2026ના અંત સુધીમાં ઓછામાં ઓછા 65 ટકા દર્દીઓને 18 સપ્તાહમાં સારવાર આપવી પડશે, પ્રાઇવેટ સેક્ટરમાં પ્રતિ વર્ષ 2.5 મિલિયન દર્દીને સારવાર અપાશે, પ્રાઇવેટ ક્લિનિક અને સર્જરી હબમાં સર્જરીની પસંદગીનો વિકલ્પ મળશે

Tuesday 07th January 2025 09:33 EST
 
 

લંડનઃ એનએચએસમાં 7.5 મિલિયન કરતાં વધુ દર્દીઓના વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવા માટે સોમવારે વડાપ્રધાન કેર સ્ટાર્મર દ્વારા નવા પગલાંની જાહેરાત કરાઇ હતી. સરેની હોસ્પિટલ ખાતેના સંબોધનમાં પોતાની યોજના જાહેર કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, એનએચએસની સુવિધાઓ પ્રાપ્ત કરવાનું હોલી ડે બુકિંગ અને ઓનલાઇન પર પોતાના પ્રેમને પ્રાપ્ત કરવા જેવું સરળ કેમ ન હોઇ શકે. હું વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવા દિવસ રાત કામ કરતો રહીશ.

દેશના 92 ટકા દર્દીઓને 18 સપ્તાહમાં એનએચએસ ખાતે સારવાર મળી રહે તે માટેની યોજનાના ભાગરૂપે એનએચએસ ઇંગ્લેન્ડ અને પ્રાઇવેટ સેક્ટર વચ્ચે નવી ડીલ કરવામાં આવી છે. તે અંતર્ગત એનએચએસના વધારાના 2.5 મિલિયન દર્દીઓને પ્રતિ વર્ષ પ્રાઇવેટ ક્લિનિકમાં સારવાર અપાશે. પ્રાઇવેટ સેક્ટર દ્વારા હાલમાં એનએચએસના 1 મિલિયન દર્દીઓને પ્રતિ વર્ષ સારવાર અપાય છે. પ્રાઇવેટ સેક્ટર કહે છે કે તેની પાસે વધુ 1 મિલિયન દર્દીઓને સારવાર આપવાની ક્ષમતા છે.

સરકાર ઇચ્છે છે કે અછતગ્રસ્ત વિસ્તારોના વધુ દર્દીઓ પ્રાઇવેટ ક્લિનિકમાં ઓપરેશન કરાવવાની પસંદગી પ્રાપ્ત કરી શકે. જે પ્રતિ વર્ષ વધારાના 1.5 મિલિયન દર્દી હશે. આમ આ આંકડો કુલ 3.5 મિલિયન પર પહોંચશે.

એનએચએસ સુધારણા યોજના

-          કોમ્યુનિટી લોકેશનોમાં વધારાના એનએચએસ હબની સ્થાપના કરાશે.

-          કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક સેન્ટર અને સર્જિકલ હબના નેટવર્કનું વિસ્તરણ કરાશે

-          દર્દીને સારવાર ક્યાં કરાવવી તે અંગેની પસંદગીનો વિકલ્પ અપાશે

-          જોઇન્ટ ઓપરેશન અને ગાયનેકોલોજિકલ પ્રોસિજર્સ માટે પ્રાઇવેટ સેક્ટર સાથે નવી ડીલ કરાશે

-          શોપિંગ સેન્ટરો જેવા લોકેશન પર એક્સ-રે, સીટી સ્કેન અને એમઆરઆઇ સ્કેનની સુવિધાઓ વધારાશે.

-          170 જેટલાં કોમ્યુનિટી ડાયગ્નોસ્ટિક સેન્ટરો દિવસના 12 કલાક અને સપ્તાહના સાત દિવસ કાર્યરત રહેશે

-          જૂન 2025 સુધીમાં 14 નવા સર્જિકલ હબ શરૂ કરાશે જેથી મોતિયા અને હીપ રિપ્લેસમેન્ટ જેવી સર્જરીઓ ઝડપી બનાવી શકાય

-          નવી યોજના અંતર્ગત તમામ એનએચએસ ટ્રસ્ટે માર્ચ 2026ના અંત સુધીમાં વેઇટિંગ લિસ્ટ પરના ઓછામાં ઓછા 65 ટકા દર્દીઓને 18 સપ્તાહમાં સારવાર આપવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter