NHSમાં પેપરલેસ ટેકનોલોજી યુગઃ હવે કાગળ પર લખાતાં પ્રીસ્ક્રિપ્શન્સ બંધ

Wednesday 23rd October 2019 04:40 EDT
 
 

લંડનઃ કાગળ પર લખાયેલાં પ્રીસ્ક્રિપ્શન્સ હવે ભૂતકાળની બાબત બની જશે કારણકે NHS દ્વારા ૧૮ નવેમ્બરથી ઈલેક્ટ્રોનિક પ્રીસ્ક્રાઈબિંગની શરૂઆત કરાનાર છે. નવી ‘Electronic Prescription Service (EPS)’ યોજના હેઠળ દેશમાં પ્રેક્ટિસ કરતા જનરલ પ્રેક્ટિશનર્સ (GP) દ્વારા ઔષધીય વિગતો સીધી સ્થાનિક ફાર્મસીને મોકલી આપવામાં આવશે. સરકાર માને છે કે આ પગલાંથી NHS બજેટમાં ૨૦૨૧ સુધીમાં ૩૦૦ મિલિયન પાઉન્ડથી વધુની બચત કરી શકાશે.

હવેથી દર્દીઓએ તેમના ડોક્ટરે લખી આપેલી દવાઓનાં પ્રીસ્ક્રિપ્શન્સની ફીઝિકલ કોપી કેમિસ્ટને આપવાની રહેશે નહિ. આના બદલે, તેમને આપવાની થતી દવાઓની વિગતો દર્દીએ પસંદ કરેલી સ્થાનિક ફાર્મસીને ડોક્ટરો દ્વારા ઈલેક્ટ્રોનિકલી મોકલી અપાશે. દર્દો ફાર્મસીમાં પોતાનું નામ અને જન્મ તારીખ આપીને દવાઓ મેળવી શકશે. નવી યોજના હેઠળ તમામ પ્રીસ્ક્રિપ્શન્સ ડોક્ટરની સહીના બદલે યુનિક બારકોડ ધરાવતા હશે, જેને સ્કેનિંગ થકી ફાર્માસિસ્ટ દવાઓની વિગતો ડાઉનલોડ કરી શકશે. જોકે, જે દર્દીને હાથથી લખેલું પ્રીસ્ક્રિપ્શન્સ જોઈતું હશે તો પણ મેળવી શકશે.

ઈલેક્ટ્રોનિક પ્રીસ્ક્રિપ્શન સર્વિસનો એ પણ ફાયદો થશે કે દર્દીએ સતત લેવાની હોય તેવી દવાઓ લખાવવા વાંરવાર જીપી પાસે જવાનું રહેશે નહિ કારણકે ઈલેક્ટ્રોનિક સિગ્નેચરના ઉપયોગથી એક વર્ષ સુધીની દવાઓ પ્રીસ્ક્રાઈબ કરી શકાય છે. ડોક્ટરો દ્વારા કાગળ પર લખાતાં પ્રીસ્ક્રિપ્શન્સ બંધ કરી દેવાથી NHS બજેટમાં ૨૦૨૧ સુધીના આગામી બે વર્ષમાં ૩૦૦ મિલિયન પાઉન્ડથી વધુની બચત કરી શકાશે તેમ સરકાર માને છે. હેલ્થ મિનિસ્ટર જો ચર્ચિલે જણાવ્યું હતું કે સમગ્ર પ્રીસ્ક્રિપ્શન સર્વિસ ડિજિટલાઈઝ કરવાની બાબત NHSને ૨૧મી સદીમાં પડકારોનો સામનો કરવા માટે સક્ષમ બનાવવાના હિસ્સારુપ છે. આનાથી, ડોક્ટરોના સમયનો બચાવ થશે અને ફાર્માસિસ્ટ તેમના દર્દીઓ માટે વધુ સમય ફાળવી શકશે.

જોકે, ઈલેક્ટ્રોનિક પ્રીસ્ક્રિપ્શન્સ ૧૦ વર્ષ અગાઉ જ દાખલ કરી દેવાયા હતા અને યુકેમાં આશરે ૭૦ ટકા ડેક્ટરોની સર્જરીઝ દ્વારા તેનો ઉપયોગ થાય છે. પરંતુ, ૧૮ નવેમ્બરથી સમગ્ર દેશમાં તે લાગુ કરાશે. બહુમતી જીપી સર્જરીઝ આ વર્ષના અંત સુધીમાં નવી સિસ્ટમ અપનાવી લેશે. યુકેમાં પ્રીસ્ક્રિપ્શન્સ માટે કિંમત ચુકવવી પડે છે. ગયા વર્ષે ઈંગ્લેન્ડના ૧,૦૪૨,૦૯૮ લોકોએ NHS પ્રીસ્ક્રિપ્શન્સ માટે વધુ કિંમત ચૂકવી હતી. તેઓ ‘સીઝન ટિકિટ’ મારફત આ રકમ બચાવી શક્યા હોત. વર્ષના તમામ પ્રીસ્ક્રિપ્શન્સ માટે એક વખતની ૧૦૪ પાઉન્ડની ફી ભરવાની રહે છે જ્યારે, પ્રેગનન્સી, ઓછી આવક અથવા લાંબા સમયની બીમારી જેવા અપવાદો સિવાય એક પ્રીસ્ક્રિપ્શન માટે ૯ પાઉન્ડ ચુકવવા પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter