લંડનઃ યુકેના વર્કિંગ પરિવારોએ એપ્રિલ ૨૦૨૨થી નેશનલ ઈન્સ્યુરન્સ (NI)ના ફાળામાં સેંકડો પાઉન્ડનો વધારો સહન કરવો પડશે કારણકે વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાક સાંસદો, બિઝનેસીસ અને વર્કર્સ સહિત સહુના વિરોધને અવગણી આ પગલામાં આગળ વધવા મક્કમ છે. આ વધારો માત્ર ૧.૨૫ ટકાનો રહેશે તમ કહેવાયું છે પરંતુ, નિષ્ણાતોના મત અનુસાર વાસ્તવિક વધારો ૧૦ ટકાથી પણ વધી જશે. NI ફાળો ૧૨ ટકાથી વધી ૧૩.૨૫ ટકા થવાની અસર આશરે ૨૫ મિલિયન બ્રિટિશરોને થશે.
વાર્ષિક ૯,૫૬૪ પાઉન્ડ અથવા સાપ્તાહિક ૧૮૪ પાઉન્ડથી વધુ કમાણી કરનારાએ NI ફાળામાં વધુ રકમ ચૂકવવી પડશે. સેલ્ફ એમ્પ્લોઈડ લોકો વાર્ષિક ૬,૫૧૫ પાઉન્ડથી વધુ કમાતા હશ તેમણે પણ ફાળો આપવો પડશે. રાષ્ટ્રીય સરરાશ વેતનથી પણ ઓછું એટલે કે ૨૦,૦૦૦ પાઉન્ડની વાર્ષિક કમાણી કરનારાએ નેશનલ ઈન્સ્યુરન્સમાં દર વર્ષે વધારાના ૧૩૦.૪૫ પાઉન્ડનો ફાળો આપવાનો થશે. આ જ રીતે વાર્ષિક ૩૦,૦૦૦ અને ૪૦,૦૦૦ પાઉન્ડની કમાણી માટે ફાળાનો વધારો અનુક્રમે ૨૫૫.૪૫ પાઉન્ડ અને ૩૮૦.૪૫ પાઉન્ડનો થશે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ નેશનલ ઈન્સ્યુરન્સમાં માત્ર ૧.૨૫ ટકાનો વધારો નથી પરંતુ, ૧૦ ટકાથી થોડો વધુ હશે કારણકે ફાળામાં વધારો ૧.૨૫ ટકા પોઈન્ટ્સનો છે. ટકા અને પોઈન્ટ્સ ટકા વચ્ચે તફાવત એ છે કે વધારો ખરેખર હોય તેનાથી ઓછો દેખાય છે.
એનર્જી પ્રાઈસ મર્યાદામાં સંભવિત ૫૦ ટકાનો વધારો તેમજ NI માં વધારા સાથે પરિવારોના બજેટમાં સેંકડો પાઉન્ડનો બોજ વધી જશે. Money.co.uk ના સંશોધન મુજબ ૨૦૨૧માં સરેરાશ અંગત દેવું હતું તે માત્ર ૧૨ મહિનાના ગાળામાં બમણાથી પણ વધુ થઈ વ્યક્તિદીઠ ૨૫,૭૮૯ પાઉન્ડના આંકડે પહોંચ્યું છે.


