લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાક હેલ્થ ફંડિંગમાં વધારો કરવા માટે નેશનલ ઈન્સ્યુરન્સ (NI) ટેક્સ વધારવા બાબતે એકમત છે. અગાઉના અહેવાલોમાં જણાવાયું હતું કે વડા પ્રધાન જ્હોન્સન આ ટેક્સ વધારવા બાબતે અવઢવમાં છે. ટોરી પાર્ટીના ઘણા સાંસદો NI ટેક્સ વધારવાનો વિરોધ કરી રહ્યા છે.
ડાઉનિંગ સ્ટ્રીટમાં લોકડાઉન પાર્ટીઝ મુદ્દે પોલીસ ઈન્ક્વાયરી અને વ્હાઈટહોલ રિપોર્ટના તારણોની રાહ જોવાઈ રહી છે ત્યારે ઘેરાઈ ગયેલા વડા પ્રધાને નારાજ ટોરી સાંસદોને સંતોષવા નેશનલ ઈન્સ્યુરન્સ ટેક્સવધારાને રદ કરવો જોઈએ અથવા તેને મુલતવી રાખવો જોઈએ તેવું દબાણ વધી રહ્યું છે. જોકે, વડા પ્રધાને ચાન્સેલર સુનાકને સાથ આપી ૧.૨૫ પર્સન્ટેજ પોઈન્ટ ટેક્સવધારામાં આગળ વધવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
જ્હોન્સન અને સુનાકે સન્ડે ટાઈમ્સના લેખમાં જણાવ્યું હતું કે પ્રગતિવાદી નીતિમાં આગળ વધવું યોગ્ય છે. કોવિડના પડતર કેસીસ પૂર્ણ કરવા જરૂરી છે ત્યારે આ સમય હેલ્થ અને સોશિયલ કેરની યોજનાને વળગી રહેવાનો છે. જે લોકોને પોસાય તેમ છે તેમની પર જ બોજો આવશે. ૩૯ બિલિયન પાઉન્ડની આવકમાંથી દરેક પેનીનો યોગ્ય વપરાશ થશે. તેમણે લખ્યું છે કે તેઓ બંને ટેક્સ કાપમાં માનતા કન્ઝર્વેટિવ્ઝ છે પરંતુ, નાણાનું કોઈ જાદુઈ વૃક્ષ નથી.
એપ્રિલ મહિનાથી વર્કર્સ અને એમ્પ્લોયર્સ માટે નેશનલ ઈન્સ્યુરન્સમાં ૧.૨૫ પર્સન્ટેજ પોઈન્ટનો વધારો થવાનો છે અને ૨૦૨૩થી તેના વર્તમાન દર જાળવી રખાશે. ૧.૨૫ ટકાની હેલ્થ અને સોશિયલ કેર લેવીનો ઉપયોગ કેર સર્વિસીસમાં સુધારાના ભંડોળ માટે કરાવાનો છે.


