લંડનઃ હેલ્થ અન સોશિયલ કેર માટે વધુ ભંડોળ એકત્ર કરવા વર્કર્સ અને એમ્પ્લોયર્સ દ્વારા ચૂકવાતા નેશનલ ઈન્સ્યુરન્સમાં ૧.૨૫ ટકાનો વધારો કરવા હાઉસ ઓફ કોમન્સના મતદાનમાં બોરિસ જ્હોન્સનનો વિજય થયો છે. જ્હોન્સનની જાહેરાતની તરફેણમાં ૩૧૯ અને વિરુદ્ધમાં ૨૪૮ મત પડ્યા હતા. કન્ઝર્વેટિવ મેનિફેસ્ટોના વચનનો ભંગ કરી જાહેર કરાયેલા ટેક્સવધારાથી વર્ષે ૧૨ બિલિયન પાઉન્ડનું ભંડોળ એકત્ર થશે.
કોમન્સની ચર્ચામાં પૂર્વ મિનિસ્ટર સ્ટીવ બેકર સહિત પાંચ કન્ઝર્વેટિવ સાંસદોએ વિરુદ્ધ મતદાન કર્યું હતું જ્યારે ૩૭ ટોરી સાંસદ ગેરહાજર રહ્યા હતા. વિપક્ષી સાંસદોએ વધારાની વિરુદ્ધ મતદાન કર્યું હતું પરંતુ, ૮૦થી વધુ સભ્યની બહુમતી ધરાવતી બોરિસ સરકારનો સરળતાથી વિજય થયો હતો. લેબર પાર્ટીએ ચિંતા દર્શાવી હતી કે લોકોએ તેમના માટે જરૂરી સંભાળ માટે નાણા ચૂકવવા હજુ પણ ઘરબાર વેચવા પડશે.
હાલમાં વર્કર્સ ૯,૫૬૪થી ૫૦,૨૬૮ પાઉન્ડની કમાણી વચ્ચે ૧૨ ટકા નેશનલ ઈન્સ્યુરન્સની ચૂકવણી કરે છે. આ રકમથી વધુ કમાણી પર વધુ ૨ ટકા ચૂકવવા પડે છે. જ્હોન્સને જણાવ્યું હતું કે આ ટેક્સથી ઉભા થનારા ૩૬ બિલિયન પાઉન્ડના ભંડોળની બહુમતી રકમ કોવિડના લીધે સર્જાયેલા NHS બેકલોગની પતાવટ કરવા પાછળ ખર્ચાશે. આ ભંડોળનો ઘણો નાનો હિસ્સો એટલે કે ત્રણ વર્ષના ગાળામાં ૫.૪ બિલિયન પાઉન્ડ સોશિયલ કેર સિસ્ટમમાં સુધારા માટે થશે.
વોશિંગ, ડ્રેસિંગ, જમવા અને દવાઓ લેવા સહિતના કાર્યો માટે સારસંભાળની વિશેષ જરૂરિયાત ધરાવતા વયોવૃદ્ધ અને વર્કિંગ એજના લોકોને મદદ કરતી ઈંગ્લેન્ડની સોશિયલ કેર સિસ્ટમમાં સુધારો કરવાની જરૂરિયાત વિશે રાજકારણીઓ લાંબા સમયથી સહમત છે.
નવી યોજનાની ચાવીરુપ દરખાસ્તો
• લોકોએ ઓક્ટોબર ૨૦૨૩થી જીવનકાળ દરમિયાન સારસંભાળના ખર્ચમાં ૮૬,૦૦૦ પાઉન્ડથી વધુ ચૂકવણી કરવી નહિ પડે જેમાં, ફૂડ અને રહેઠાણનો ખર્ચ સામેલ નથી. • લોકો આ મર્યાદા સુધી પહોંચી ગયા પછી પર્સનલ કેરની થનારી કોસ્ટ્સ સ્થાનિક ઓથોરિટીઝ દ્વારા ચૂકવાશે. • ૨૦,૦૦૦થી ૧૦૦,૦૦૦ પાઉન્ડ વચ્ચેની સંપત્તિ ધરાવતા લોકોને તેમની સ્થાનિક કાઉન્સિલ્સ દ્વારા ખર્ચમાં મદદ કરાશે. • ૨૦,૦૦૦ પાઉન્ડથી ઓછી સંપત્તિ ધરાવતી વ્યક્તિએ સારસંભાળનો ખર્ચ તેમની એસેટ્સમાંથી ચૂકવવાનો નહિ રહે પરંતુ, આવકમાંથી ફાળો આપવો પડે તેમ થઈ શકે છે. • સોશિયલ કેરમાં ચૂકવણીમાં મદદ કરવા એપ્રિલ ૨૦૨૨થી નેશનલ ઈન્સ્યુરન્સ પેમેન્ટ્સમાં ૧.૨૫ ટકાનો વધારો થશે. આ ટેક્સ વર્કિંગ લોકો અને તેમના એમ્પ્લોયર દ્વારા ચૂકવાય છે. • કંપનીઓમાં શેર્સની માલિકી થકી પ્રાપ્ત ડિવિડન્ડ્સની આવકને પણ ૧.૨૫ ટકાનો ટેક્સવધારો લાગુ થશે. • વાર્ષિક ૨૪,૧૦૦ પાઉન્ડની કમાણી કરતા બેઝિક રેટ કરદાતાએ વાર્ષિક ૧૮૦ પાઉન્ડ, સાપ્તાહિક ૩.૪૬ પાઉન્ડના હિસાબે યોગદાન આપવાનું થશે.૩૦,૦૦૦ પાઉન્ડની આવક ધરાવનારાને NI વધારાથી વર્ષે ૨૫૫ પાઉન્ડ જ્યારે, ૫૦,૦૦૦ પાઉન્ડની આવક ધરાવનારાને ૫૦૫ પાઉન્ડ તેમજ ૬૭,૧૦૦ પાઉન્ડની કમાણી કરતા ઊંચા દરના કરદાતાએ વાર્ષિક ૭૧૫ પાઉન્ડ ચૂકવવાના થશે. નીચી આવક એટલે કે ૯,૫૬૮ પાઉન્ડથી ઓછું કમાતા ૬.૨ મિલિયન લોકોને ટેક્સવધારામાંથી બાકાત રખાયા છે.


