NRI સમુદાય રદ થયેલી કરન્સી બદલી શકે તે માટે સત્વરે ઘટતાં પગલાં લો

- ગુજરાતના મુખ્ય પ્રધાનને પત્ર પાઠવીને રજૂઆત કરતા સી. બી. પટેલ

Tuesday 21st February 2017 14:11 EST
 

લંડનઃ ભારતીય ચલણમાંથી રૂપિયા ૫૦૦ અને ૧૦૦૦ની કરન્સી રદ કરવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એકસો દિવસ કરતાં વધુ સમય થઇ ગયો છે, પરંતુ વિદેશવાસી ભારતીયોની આ ચલણી નોટ સંબંધિત સમસ્યા આજે પણ યથાવત્ છે. દરિયાપારના દેશમાં વસતાં ભારતીય સમુદાય પાસે આ રદ થયેલી કરન્સી સ્વરૂપે કરોડો રૂપિયા પડ્યા છે પરંતુ તેના એક્સચેન્જ માટે રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (RBI) દ્વારા આજ સુધી કોઇ વ્યવસ્થા ન ગોઠવાતા લોકોમાં તીવ્ર આક્રોશ સાથે કચવાટની લાગણી પ્રવર્તે છે.

બ્રિટનવાસી ભારતીય સમુદાયે આ મુદ્દે ગુજરાત સમાચાર અને એશિયન વોઇસનો સંપર્ક સાધીને RBIની અણઘડ કાર્યપદ્ધતિ સામે બળાપો વ્યક્ત કરતાં પ્રકાશક-તંત્રી સી. બી. પટેલે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજયભાઇ રુપાણીને પત્ર પાઠવીને આ પ્રશ્ને સત્વરે ઘટતું કરવા હાર્દિક અનુરોધ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સી. બી. પટેલે તાજેતરમાં ગુજરાત પ્રવાસ દરમિયાન મુખ્ય પ્રધાન સાથેની મુલાકાત વેળા આ સમસ્યાનું નિવારણ લાવવા રજૂઆત કરી હતી. આ સમયે મુખ્ય પ્રધાને તત્ક્ષણ દિલ્હીસ્થિત નાણાં મંત્રાલયમાં ઉચ્ચ અધિકારીને ફોન કરીને વિદેશવાસી ગુજરાતીઓ માટે અમદાવાદ સ્થિતRBIમાં રદ થયેલી ચલણી નોટો બદલી આપવા માટે ઘટતું કરવા જણાવ્યું હતું.

ગુજરાતના મુખ્ય પ્રધાનને પાઠવાયેલા સી. બી. પટેલે જણાવ્યું છે કે આજ દિન સુધી આ મુદ્દે કોઇ નક્કર આયોજન થયું ન હોવાથી વિદેશવાસી ભારતીયો હેરાનપરેશાન થઇ રહ્યા છે. પત્રમાં તેમણે એ વાતનો પુનરોચ્ચાર કર્યો છે કે હાલમાં માત્ર પાંચ મહાનગરોમાં કાર્યરત RBI શાખામાં રદ થયેલી કરન્સી બદલવાની સુવિધા છે. આ સગવડ અમદાવાદની RBIમાં પણ શરૂ કરવી જોઇએ જેથી લોકોના સમય અને નાણાંની બરબાદી થતી અટકે.

આ પત્રમાં સૂચન કરવામાં આવ્યું છે કે બ્રિટનમાં ભારતીય બેન્કોની ૫૦થી વધુ નાની-મોટી શાખાઓ કાર્યરત છે. જો આ શાખાઓને રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટ બદલી આપવાની કે પોતાના એકાઉન્ટમાં જમા કરાવવાની સુવિધા આપવામાં આવે તો તે ઘણું રાહતજનક સાબિત થશે. આ આર્થિક વ્યવહાર દરમિયાન કોઇ ગેરરીતિની આશંકાની ભીતિ હોય તો ભારતીય પાસપોર્ટને એન્ડોર્સ કરવાની જોગવાઇ કરી શકાય તેવું સુચન પણ આ પત્રમાં થયું છે.

આ પત્રમાં એવી પણ રજૂઆત કરવામાં આવી છે કે હાલમાં રિઝર્વ બેન્ક દ્વારા રદ થયેલી કરન્સી બદલવા માટે ૩૦ જૂન સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. વિદેશવાસી ભારતીયોનો બહોળો વર્ગ વિન્ટરના દિવસોમાં કે દિવાળી-ક્રિસમસ જેવા પર્વોમાં વતનની મુલાકાતે ભારતપ્રવાસે જતો હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને નોટ બદલવાની કે બેન્કમાં જમા કરાવવાની મુદત ડિસેમ્બર-૨૦૧૭ સુધી લંબાવવી જોઇએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter