લંડન, નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા NRIને જૂની નોટો બદલવા માટે સુવિધાની જાહેરાત કરવામાં આવી છે. ભારતનું નાગરિકત્વ ધરાવતા બિનનિવાસી નાગરિકો પણ ૯ નવેમ્બર, ૨૦૧૬થી ૩૦ ડિસેમ્બર, ૨૦૧૬ વચ્ચે તેઓ દેશની બહાર ગયા હોવાનું ડેક્લેરેશન આપીને તેમની પાસેની રૂ. ૫૦૦ અને રૂ. ૧,૦૦૦ની રદ થયેલી ચલણી નોટ્સ રિઝર્વ બેન્કમાં જમા કરાવી શકશે. તેમને રદ ચલણી નોટ્સ જમા કરાવવાની સવલત ૨ જાન્યુઆરી, ૨૦૧૭થી ૩૦ જૂન ૨૦૧૭ સુધી મળશે. રદ કરાયેલી જૂની ચલણી નોટ્સ ભારતીય નાગરિકને ૩૧ માર્ચ ૨૦૧૭ પછી અને બિનનિવાસી ભારતીય નાગરિકને ૩૦ જૂન ૨૦૧૭ પછી રાખવા દેવાશે નહિ. આ સમય મર્યાદા પછી જો કોઈ વ્યક્તિ પાસેથી રદ થયેલી ચલણી નોટ્સ મળી આવશે તો તેવા સંજોગોમાં તેને દંડ કરવામાં આવશે.
મધ્યસ્થ બેન્કે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે નવી સુવિધા હેઠળ થર્ડ પાર્ટી ટેન્ડર સ્વીકારવામાં નહિ આવે. ભારતીય રીઝર્વ બેન્કની મુંબઈ, નવી દિલ્હી, ચેન્નાઈ, કોલકાતા અને નાગપુરની ઓફિસોમાં આ સવલતનો લાભ મેળવી શકાશે. જોકે, નેપાળ, ભૂટાન, પાકિસ્તાન અને બાંગલાદેશમાં રહેતા ભારતીય નાગરિકો આ સવલતનો લાભ લઈ શકશે નહિ.
ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની જોગવાઈઓના માળખામાં રહીને વિદેશ ગયેલી વ્યક્તિઓ રૂ. ૨૫,૦૦૦ની મર્યાદામાં જૂની ચલણી નોટ્સ તેમની સાથે લાવી શકશે. આમ, આ કેટેગરીમાં આવતા બિનનિવાસીઓ ૩૧મી માર્ચ ૨૦૧૭ અથવા તો ૩૦મી જૂન ૨૦૧૭ સુધીમાં રૂ. ૨૫,૦૦૦ સુધીના મૂલ્યની રદ થયેલી રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટ્સ રિઝર્વ બેન્કમાં જમા કરાવી શકશે. જોકે, રિઝર્વ બેન્કે આ માટે મૂકેલી શરતોનું તેમણે પાલન કર્યું હશે તો જ તેઓ તે રકમ જમા કરાવી શકશે.
રિઝર્વ બેન્કને સંતોષ થયા પછી તેમના કેવાયસી (know your customer)ના તમામ દસ્તાવેજો રજૂ કર્યા હશે તેવા જ ખાતામાં તે રકમ જમા કરવાની છૂટ મળશે. આ માટે ખોટું ડેક્લરેશન આપનાર વ્યક્તિએ બેન્કમાં જમા કરાવેલી રકમ કરતાં પાંચ ગણો અથવા તો રૂ. ૫૦,૦૦૦ સુધીનો દંડ કરવામાં આવશે.
રિઝર્વ બેન્કના નોટિફેકેશનમાં જણાવાયું છે કે નિવાસી ભારતીયો માટે રદ નોટ્સ બદલાવવા કોઈ નાણાકીય મર્યાદા નથી પરંતુ, બિનનિવાસી ભારતીયો માટે સંબંધિત FEMAની જોગવાઈ અનુસાર નાણાકીય મર્યાદા રહેશે. તેઓ આધાર નંબર, પાન નંબર સહિત ઓળખના દસ્તાવેજો તેમજ તેઓ સંબંધિત ગાળામાં દેશની બહાર હતા અને અગાઉ એક્સચેન્જ સુવિધાનો લાભ લીધો નથી તેવા દસ્તાવેજી પુરાવા દર્શાવીને વ્યક્તિગત રીતે આ સવલત મેળવી શકશે.
ડેક્લેરેશન ફોર્મ કસ્ટ્મ્સ પાસે સ્ટેમ્પિંગ કરાવવું પડશે
ભારતીય નાણા મંત્રાલયની વધુ એક જાહેરાતમાં સ્પષ્ટ કરાયું છે કે બિનનિવાસી ભારતીયો (NRI) દ્વારા જૂની રદ ચલણી નોટ્સ બદલાવવા માટેના ફોર્મ પર કસ્ટમ ઓફિસર દ્વારા ફરજિયાત સ્ટેમ્પિંગ કરાવવાનું રહેશે. NRI પોતાની સાથે રુપિયા ૨૫,૦૦૦ની મર્યાદામાં જૂની ચલણી નોટ્સ બદલાવવા લાવી શકશે. આ માટે તેમણે ડેક્લેરેશન ફોર્મ ભરવાનું રહેશે, જેમાં નોટ્સની સંખ્યા અને તેના મૂલ્યની વિગતો આપવી પડશે. તેમણે ભારતમાં પ્રવેશ માટેના એરપોર્ટ/ લેન્ડ કસ્ટમ્સ સ્ટેશન પર આ નોટ્સ ડેક્લેરેશન ફોર્મ સાથે કસ્ટમ અધિકારીને દર્શાવવાની રહેશે. કસ્ટમ અધિકારી ફોર્મ અને તેમની સમક્ષ રજૂ કરાયેલી બેન્ક નોટ્સની ગણતરી અને મેળવણી કરી ડેક્લેરેશન ફોર્મ પર સ્ટેમ્પ લગાવી આપશે.
આવો સ્ટેમ્પ ધરાવતું ડેક્લેરેશન ફોર્મ અને બેન્ક નોટ્સ અન્ય દસ્તાવેજોની સાથે ભારતીય રીઝર્વ બેન્ક દ્વારા નિયત કરાયેલી ઓફિસોમાં રજૂ કરવાની રહેશે. આ હેતુ માટે એક પાનાનું ફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યું છે. પ્રવાસી બિનનિવાસી ભારતીયો દ્વારા રજૂ કરાયેલું ફોર્મ બેન્ક નોટ્સ ડિપોઝીટ કરવા માટે આવશ્યક હોવાથી કસ્ટમ્સ વિભાગને તેની નકલ સ્કેન્ડ ફોર્મેટમાં રાખવા નાણા મંત્રાલયે સૂચના પણ આપી છે. બિનનિવાસી ભારતીયો માટે ભારતીય કરન્સીના નિયમો સંબંધે તાજી માહિતી માટે રીઝર્વ બેન્કની વેબસાઈટ www.rbi.org.inની મુલાકાત લેવા વિનંતી છે.