લંડનઃ NatWest બેન્કે £૨૬૪ મિલિયનની રોકડ સ્વીકારી મનીલોન્ડરિંગ મુદ્દે નિષ્ફળતા દર્શાવી હોવા બદલ ધ ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) દ્વારા કાનૂની કાર્યવાહી હાથ ધરાનાર છે. વોચડોગે જણાવ્યું છે કે તેણે કરદાતાનું પીઠબળ ધરાવતી બેન્ક વિરુદ્ધ મની લોન્ડરિંગ નિયમોના પાલનમાં નિષ્ફળતા બદલ ક્રિમિનલ પ્રોસિડિંગ્સ આરંભ્યા છે.
નેટવેસ્ટ બેન્કે કોઈ ફ્રોડ એલર્ટ કે ઈન્ક્વાયરી ઉઠાવ્યા વિના કસ્ટમરના એકાઉન્ટમાં ૨૬૪ મિલિયન પાઉન્ડની શંકાસ્પદ રોકડ ડિપોઝિટ કરવા દીધી હતી. FCA દ્વારા આરોપ લગાવાયો છે કે નેટવેસ્ટના ગ્રાહકના ખાતામાં ૩૬૫ મિલિયન પાઉન્ડની જંગી ડિપોઝિટ જમા કરાવાઈ હતી જેમાંથી ૨૬૪ મિલિયન પાઉન્ડની રોકડ રકમ હતી. ૧૧ નવેમ્બર ૨૦૧૧થી ૧૯ ઓક્ટેબર ૨૦૧૬ના ગાળામાં આ રકમો મૂકાઈ તેના પર દેખરેખ નિયમનો અને ચકાસણી કરવાની સિસ્ટમ સદંતર નિષ્ફળ રહી હતી.
નેટવેસ્ટ બેન્ક ૧૪ એપ્રિલે વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ્સ કોર્ટ સમક્ષ હાજર થશે. બેન્કે જણાવ્યું છે કે ત્રીજા પક્ષકારો દ્વારા મની લોન્ડરિંગને અટકાવવાની તેનીજવાબદારીને તે ગંભીરતાથી લે છે. FCA દ્વારા પહેલી વખત જ મની લોન્ડરિંગ નિયમો હેઠળ ક્રિમિનલ પ્રોસીક્યુશન કરાયું છે અને આ નિયમો પહેલી વખત જ બેન્ક સામે કાર્યવાહી માટે ઉપયોગમાં લેવાયા છે. આ કાર્યવાહીમાં કોઈ વ્યક્તિ સામે ચાર્જ લગાવાયા નથી. રેગ્યુલેટર દ્વારા નેટવેસ્ટ ગ્રૂપ (પૂર્વ રોયલ બેન્ક ઓફ સ્કોટલેન્ડ)ને જુલાઈ ૨૦૧૭માં ચેતવણી અપાઈ હતી. નાણાકીય કટોકટીના ગાળામાં સરકાર દ્વારા જંગી બેઈલઆઉટ પછી નેટવેસ્ટ ગ્રૂપમાં સરકારની ૬૨ ટકા હિસ્સેદારી છે.


