PM બોરિસ જ્હોન્સન એપ્રિલના અંતમાં ભારતની મુલાકાતે જશે

Wednesday 17th March 2021 09:58 EDT
 
 

લંડનઃ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સન યુકે સરકારના ઈન્ડો-પાસિફિક ઝૂકાવ તેમજ વિદેશી – સુરક્ષા નીતિઓના ધરમૂળ પરિવર્તના ભાગરુપે એપ્રિલ મહિનામાં ભારતની મુલાકાત લેશે.

યુકે દ્વારા મંગળવારે સિક્યુરિટી, ડિફેન્સ, ડેવલપમેન્ટ અને ફોરેન પોલિસીની સુગ્રથિત સમીક્ષા જાહેર કરી હતી. આ સમીક્ષામાં વિદેશ નીતિમાં ઈન્ડો-પાસિફિક ઝૂકાવ સહિત ધરમૂળ પરિવર્તન જણાય છે. સત્તાવાર નિવેદન અનુસાર વડા પ્રધાન જ્હોન્સન આ વિસ્તારમાં તકોને ખુલ્લી મૂકવા એપ્રિલ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લેવાના છે. પાર્લામેન્ટ સમક્ષ રીવ્યૂને મૂકતા જ્હોન્સને જણાવ્યું હતું કે વિશ્વની સૌથી મોટી લોકશાહી સાથે આપણા સંબંધો મજબૂત કરવા તેઓ ભારતનો પ્રવાસ ખેડશે. બ્રિટન યુરોપિયન યુનિયન (ઈયુ)માંથી બહાર નીકળ્યા પછી જ્હોન્સનની પ્રથમ મુખ્ય આંતરરાષ્ટ્રીય મુલાકાત હશે.

આમ તો, જ્હોન્સન ૨૬ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ભારતની મુલાકાત લેવાના હતા પરંતુ, નવા કોરોના વાઈરસ વેરિએન્ટના સામના પર ધ્યાન આપવા બ્રિટનમાં રહેવા માટે તેમમે પ્રવાસ મોકૂફ રાખ્યો હતો. તે સમયે યુકેએ જાહેરાત કરી હતી કે ૨૦૨૧ના પૂર્વાર્ધમાં અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી જૂન મહિનામાં G-7 શિખર પરિષદમાં હાજરી આપવા યુકે આવે તે પહેલા ભારતની મુલાકાત લેવા જ્હોન્સન આતુર છે.

યુકેના ભારતસ્થિત હાઈ કમિશનર એલેક્સ એલીસે તેમના ડેપ્યુટી નેશનલ સિક્યુરિટી એડવાઈઝરની પૂર્વ ભૂમિકામાં સુગ્રથિત રીવ્યૂના મુસદ્દો ઘડવામાં ચાવીરુપ કામગીરી બજાવી છે. આ ડોક્યુમેન્ટમાં ભારત-યુકે સંબંધોને મજબૂત ગણાવવા સાથે બ્રિટન સહભાગી હિતોને સંપૂર્ણ કક્ષાએ લઈ જવા આતુર હોવાનું જણાવાયું છે. ભારતને વધતા મહત્ત્વ સાથેનું આંતરરાષ્ટ્રીય ખેલાડી કહેવા ઉપરાંત, ભારતીય મૂળના ૧.૫ મિલિયન બ્રિટિશ ભારતીય નાગરિકો સહિત બંને દેશો વચ્ચે મજબૂત સાંસ્કૃતિક સંપર્કોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter