પહેલા દિવસે - ૧૬ ઓક્ટોબરે ઓવરસીઝ ઈન્ડિયન એફેર્સ મંત્રાલય (MOIA), લંડનસ્થિત ભારતીય હાઈ કમિશન, કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના સહયોગમાં ઓવરસીઝ ઈન્ડિયન ફેસિલિટેશન સેન્ટર (OIFC) દ્વારા ‘ડાયસ્પોરા એન્ગેજમેન્ટ મીટ’નું આયોજન કરાશે. બિઝનેસ ચર્ચામાં ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ, ઊર્જા વિતરણ, ઉત્પાદન અને પુનઃવપરાશી ઊર્જા, રોકાણકારો માટેની તક, કૌશલ્ય વિકાસની તક સહિતના સેક્ટર્સ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. ભારત સરકારના વિવિધ મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગોના અગ્રણીઓ બેઠકમાં હાજરી આપશે.
બીજા અને ત્રીજા દિવસે - ૧૭ અને ૧૮ ઓક્ટોબરના સત્રોમાં બ્રિટિશ/યુરોપિયન સમાજો અને અર્થતંત્રોમાં ભારતીય ડાયસ્પોરાની ભૂમિકા અને પ્રદાન, ડાયસ્પોરા અને ભારત સરકાર ઈન્ડિયા-યુકે વ્યૂહાત્મક ભાગીદારીના માળખામાં પારસ્પરિક લાભાર્થે કેવી રીતે કામ કરી શકે, ભારતમાં નાણાકીય રોકાણો અને વેપાર, ભારતીય ડાયસ્પોરાની સમસ્યાઓ અને તેના ઉકેલ સહિતના વિષયો પર ચર્ચા અને ચિંતન કરાશે. ૧૭ ઓક્ટોબરના સત્રમાં ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ ઉપસ્થિત રહેશે. આ દિવસે સાંજે યુકેના ભારતીય ડાયસ્પોરાની ઊજવણી કરવા બ્રિટિશ સરકાર દ્વારા ડાયસ્પોરા રિસેપ્શનનું આયોજન કરાયું છે. આ સમારોહમાં સંસ્કૃતિ, વાણિજ્ય અથવા શિક્ષણના ક્ષેત્રોમાં યુકે-ભારતના સંબંધોને આગળ વધારનારી વ્યક્તિઓને પ્રથમ દાદાભાઈ નવરોજી એવોર્ડ્સ એનાયત કરાશે.
૧૮ ઓક્ટોબરે નોંધાયેલા અને ત્રણ દિવસના અધિવેશનમાં હાજરી આપનારા તમામ સભ્યો માટે ભવ્ય ભોજન સમારંભ સાથે RPBDનું સમાપન થશે.


