SBI ભારતીય કરદાતાના નાણા વેડફે છેઃ માલ્યાનો આક્ષેપ

Wednesday 24th April 2019 03:05 EDT
 
 

લંડનઃ વિજય માલ્યાએ સોશિયલ મીડિયા પર ફરી એક વખત પોતાનું દેવું ભારતની સરકારી બેંકોને ચૂકવી દેવાનું જણાવ્યું છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા(SBI)ને નિશાન બનાવી માલ્યાએ જણાવ્યું છે કે બ્રિટનમાં મોંઘી કાનૂની ફી ચૂકવી એસબીઆઇ ભારતીય કરદાતાઓના નાણા વેડફી રહી છે.

યુકે હાઇકોર્ટના જજે માલ્યાના લંડનના બેંક એકાઉન્ટમાં ૨,૬૦,૦૦૦ પાઉન્ડ ફ્રીઝ કરવાનો આદેશ રદ કરવાના ઇનકાર પછી ૬૩ વર્ષીય માલ્યાએ ટ્વિટ કરી જણાવ્યું છે કે એસબીઆઇના નેતૃત્ત્વમાં ભારતીય સરકારી બેંકો ખોટી રીતે બ્રિટિશ કોર્ટોમાં મારી સામે કેસ કરી રહી છે. માલ્યાએ ટ્વિટર પર જણાવ્યું છે કે એસબીઆઇના વકીલો ભારતીય કરદાતાના નાણાથી મારી સામે બ્રિટનમાં કેસ ચલાવે છે. હું તમામ દેવું ચૂકવવા તૈયાર હોવાં છતાં મારી સામે કેસ ચલાવાય છે.

ભારતીય મીડિયાની પણ ટીકા કરતા તેમણે જણાવ્યું છે કે ભારતીય મીડિયા સનસનીખેજ હેડિંગ બનાવવામાં નિષ્ણાત છે તો પછી શા માટે એસબીઆઇને આરટીઆઇ કરી પૂછવામાં આવતું નથી કે તેણે બ્રિટનમાં મારી વિરુદ્ધ કેસ ચલાવવા માટે વકીલોને કેટલી ફી ચૂકવી છે?

માલ્યાએ એમ પણ જણાવ્યું છે કે બ્રિટનમાં મારી ૫૦ ટકા મિલકતોનું વેચાણ અડધા ભાવે કરાયું છે. બાકી મિલકતો વેચવાથી કાનૂની ફી પણ ચૂકવી શકાય તેમ નથી તો પછી આ બધું શાં માટે, બ્રિટનના વકીલોને ધનવાન બનાવવા માટે થઇ રહ્યું છે?

વિજય માલ્યાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી ઇન્ટરવ્યુમાં જણાવે છે કે મારું સરકારી બેંકો પાસે જેટલું દેવું હતું તેનાથી વધારે રકમ સરકારે વસૂલ કરી લીધી છે તો બીજી તરફ ભારતીય બેંકો બ્રિટનની કોર્ટમાં રિકવરીની માગ કરે છે. કોણ સાચું બોલે છે તે જ ખબર પડતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter