લંડનઃ સામાન્ય બ્રિટિશ નાગરિકો સૌથી વધારે સોરી-sorry શબ્દનો ઉપયોગ કરે છે. એક સર્વે અનુસાર બ્રિટિશ નાગરિકો એક કલાકમાં સરેરાશ એક કે બે વખત અને દિવસમાં ઓછામાં ઓછું આઠ વખત સોરી શબ્દનો ઉપયોગ કરે છે. આશરે ૧૨ ટકા લોકો દિવસમાં ૨૦ વખત સોરી બોલે છે. બ્રિટન પછી સૌથી વધુ માફી માગવામાં જાપાનીઝનો ક્રમ આવે છે. સામાન્ય રીતે છે કે, બ્રિટન અને કેનેડાના લોકો અમેરિકનો કરતા સોરી શબ્દનો વધુ ઉપયોગ કરે છે. અંગ્રેજો ઉપરાંત, મહિલાઓ પણ સોરી શબ્દનો વધુ ઉપયોગ કરતી હોવાનું મનાય છે.
‘યુગવ’ સર્વેમાં ૧,૬૦૦ બ્રિટિશ અને ૧,૦૦૦ અમેરિકનના મત લેવાયા હતા,જે મુજબ દર ૧૦ અમેરિકનોના મુકાબલે ૧૫ બ્રિટિશ નાગરિકો સોરી કહેવા તૈયાર હતા. આમ, અમેરિકનોની સરખામણીએ બ્રિટિશરો સોરી શબ્દનો ૫૦ ટકા વધુ ઉપયોગ કરે છે. બંને દેશોના ત્રીજા ભાગના લોકો કોઈના કામમાં દખલ આપવા બદલ સોરી કહે છે. આ જ રીતે કોઈ મીટિંગમાં મોડા પહોંચવા બદલ ૮૪ ટકા અંગ્રેજે, જ્યારે ૭૪ ટકા અમેરિકને સોરી કહેવાની તૈયારી દર્શાવી હતી. યુગવ સર્વેમાં કોઈની બીજાની ભૂલને બદલ ૩૬ ટકા અંગ્રેજો અને ૨૪ ટકા અમેરિકનો સોરી કહેવા માટે રાજી હતા.
બ્રિટિશ લોકો આદત પ્રમાણે સોરી બોલી દે છે પણ કેટલીક વાર એવું પણ બને છે કે, તેમણે કોઈ ભૂલ કરી જ ન હોય. અંગ્રેજીના સોરી શબ્દની ઉત્પત્તિ જૂની ઈંગ્લિશ ભાષાના સેરિંગ શબ્દથી થઈ હતી, જેનો અર્થ દુઃખ અથવા મુશ્કેલીમાં પડેલી વ્યક્તિ હોય છે.


