લંડનઃ UKIP ના નેતાપદની સ્પર્ધામાં રહેલા એશિયન ઉમેદવાર રહીમ અને લંડન એસેમ્બલી મેમ્બર પીટર વ્હીટ્ટલે સ્પર્ધામાંથી ખસી જવાની જાહેરાત કરી છે. આ સાથે પાર્ટીના સર્વોચ્ચ નેતાપદ માટે ત્રણ ઉમેદવાર- પૂર્વ નાયબ નેતા પોલ નટ્ટલ, પૂર્વ નાયબ મહિલા અધ્યક્ષ સુઝાન ઈવાન્સ અને વેલ્સસ્થિત પૂર્વ સૈનિક જ્હોન રીસ-ઈવાન્સ મેદાનમાં રહ્યા છે. લીડરશિપનું પરિણામ ૨૮ નવેમ્બરે જાહેર થવાની શક્યતા છે.
નાઈજેલ ફરાજના પૂર્વ સહાયક કાસમે ઉમેદવારીનો ઈરાદો જાહેર કર્યાના થોડા જ દિવસોમાં પક્ષ અને મીડિયા પર દોષ લગાવી પીછેહઠ કરી હતી. પક્ષના સર્વોચ્ચ પદ માટેની સ્પર્ધામાં સાત ઉમેદવારોમાંથી રહીમ કાસમ એક માત્ર એશિયન હતા. નોમિનેશન પેપર્સ અને ૫,૦૦૦ પાઉન્ડ ડિપોઝીટ ભરવાની સમયમર્યાદાના બે કલાક અગાઉ જ તેઓ સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા હતા. કાસમે કહ્યું હતું કે વિજય તરફનો માર્ગ ઘણો સાંકડો હતો. તેમણે સ્પર્ધા છોડવા માટે પોતાની વિરુદ્ધ યુક્તિ-પ્રયુક્તિઓ અજમાવી રહેલા UKIP ના વરિષ્ઠ પદાધિકારીઓ, મીડિયાની ઝીણવટભરી નજર તેમજ ભંડોળ એકત્ર કરવાની ચિંતાને કારણભૂત ગણાવી હતી.
કાસમે નેતાપદની સ્પર્ધામાં પીટર વ્હીટ્ટલને ટેકો આપવા પોતાના સમર્થકોને અનુરોધ કર્યો હતો પરંતુ વ્હીટ્ટલે નેતાપદની ચૂંટણીમાંથી ખસી જવાની જાહેરાત સાથે મોખરાના ઉમેદવાર પોલ નટ્ટલને ટેકો જાહેર કર્યો છે.
ગત મે મહિનામાં લંડન એસેમ્બલીમાં ચૂંટાયેલા પીટર વ્હીટ્ટલે જણાવ્યું હતું કે નોર્થ વેસ્ટ ઈંગ્લેન્ડ માટે મેમ્બર ઓફ યુરોપિયન પાર્લામેન્ટ પોલ નટ્ટલ પાર્ટીને આગળ લઈ જવા યોગ્ય ઉમેદવાર હોવાનું તેમને લાગે છે. નટ્ટલે પાર્ટીના ચેરમેન તરીકે પણ કામગીરી બજાવી છે. અગાઉ, માત્ર ૧૮ દિવસ નેતાપદ સંભાળ્યા પછી ડાયેન જેમ્સે ઓક્ટોબરમાં રાજીનામું આપી દેતાં ચૂંટણી કરવાની ફરજ પડી છે.


