લંડનઃ ઈયુ પછીના બ્રિટનનો અનાજ ગણાવનારી પાર્ટી UKIP આજે પોતાનો જ અવાજ શોધવાનો સંઘર્ષ ચલાવી રહી છે. પાર્ટીના નેતાપદના સાત ઉમેદવારમાં UKIPના પૂર્વ મુખ્ય સલાહકાર રહીમ કાસમનો પણ સમાવેશ થાય છે. હિલિંગ્ડનના ૩૦ વર્ષીય ઈસ્માઈલી ખોજા કાસમ ગુજરાતના ટાન્ઝાનિયન ઈમિગ્રન્ટ પેરન્ટના પુત્ર છે. જોકે, તેઓ દાયકા કરતા વધુ સમયથી મુસ્લિમ ધર્મનું પાલન કરતા નથી.
લેબર પાર્ટી પછી UKIP નેતૃત્વની કટોકટીમાં ફસાઈ છે કારણકે હવે પૂર્વ લીડર ડાયેના જેમ્સે માત્ર ૧૮ દિવસ નેતાપદ સંભાળ્યા પછી રાજીનામું આપી દીધું હતું. આ સમયે પક્ષના નેતાપદની સ્પર્ધામાં પૂર્વ ચીફ એડવાઈઝર રહીમ કાસમ પણ જોડાયા છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરના પોલિટિક્સના વિદ્યાર્થી કાસમ પોતાને નાસ્તિક ગણાવે છે. તેમનો ઉછેર ઈસ્માઈલી કોજા તરીકે થયો હતો પરંતું હવે તેઓ ધર્મ પાળતા નથી. નકાબ અને શરિયાને ‘કલ્ચરલ જેહાદ’ના સાધનો તરીકે ગણાવતા કાસમ ‘ઈસ્લામોફોબિયા ઈન્ડસ્ટ્રી’ને વખોડે છે.
નેતાપદની ઉમેદવારી જાહેર કરતા કાસમે જણાવ્યું હતું કે તેઓ UKIPમાં આંતરિક યુદ્ધને અટકાવવા, દેશમાં ઊંડા સાંસ્કૃતિક અને સામાજિક વિભાજનનું નિરાકરણ લાવવા તેમજ સાચા વિપક્ષ બની લેબર પાર્ટીને પથારીભેગી કરવા માગે છે. પૂર્વ ડેપ્યુટી ચેરવુમન અને નેતાપદના હરીફ સુઝાન ઈવાન્સે જણાવ્યું હતું કે કાસમ UKIPને ખોટી દિશામાં લઈ જશે.


