£૧ બિલિયનનું ઓમિક્રોન સહાય પેકેજ

Wednesday 22nd December 2021 06:22 EST
 
 

લંડનઃ ચાન્સેલર રિશિ સુનાકે ૧ બિલિયન પાઉન્ડનું ઓમિક્રોન સહાય પેકેજ જોહેર કર્યું છે. આ સાથે તેમણે ઈંગ્લેન્ડમાં અસરગ્રસ્ત હોસ્પિટાલિટી સેક્ટર્સના બિઝનેસીસ માટે પ્રીમાઈસીસ દીઠ પબ્સ અને રેસ્ટોરાંને એક સમયની ૬,૦૦૦ પાઉન્ડ સુધીની ગ્રાન્ટ આપવાનું પણ જણાવ્યું છે. ઓમિક્રોન વેરિએન્ટના ઉદ્ભવ પછી ક્રિસમસ ઉજવણીઓ રદ કરવાનો પ્રવાહ ચાલી રહ્યો છે તેના પરિણામે પબ્સ અને રેસ્ટોરાં બિઝનેસને ભારે નુકસાન જઈ રહ્યું છે.

ચાન્સેલર સુનાકે જણાવ્યું હતું કે આ વધારાના ટેકાથી હજારો બિઝનેસીસ અને લાખો કર્મચારીઓને મદદ મળશે તેવો તેમને વિશ્વાસ છે. ઈંગ્લેન્ડની કલ્ચરલ સંસ્થાઓ પણ કલ્ચર રિકવરી ફંડ મારફત શિયાળા દરમિયાન વધુ ૩૦ મિલિયન પાઉન્ડના ભંડોળમાંથી સુવિધા મેળવી શકશે.

સરકાર ૨૫૦થી ઓછાં કર્મચારી ધરાવતી ફર્મ્સમાં કોવિડ સંબંધિત ગેરહાજરી માટે વૈધાનિક સિક-પેની કિંમત આવરી લેવા કરદાતાઓના નાણાનો ઉપયોગ કરવાનો ઈરાદો ધરાવે છે. ઈન્ડસ્ટ્રીએ આ પગલાંને આવકાર આપ્યો ચે.

વધુ કોવિડ નિયંત્રણો બાબતે પ્રશ્ન કરાતા ચાન્સેલરે કહ્યું હતું કે ‘યુકે ‘વ્યાપક અચોક્કસતા’નો સામનો કરી રહ્યું છે. નવા વર્ષ પહેલા વધુ નિયંત્રણો લાદવામાં આવશે તેવા પ્રશ્નના ઉત્તરમાં સુનાકે જણાવ્યું હતું કે,‘ આ બધા માટે લોકોની હતાશા સમજું છું. હું લોકોને વડા પ્રધાનના શબ્દો યાદ કરાવીશ અને કમનસીબે આપણે હાલની પળે ભારે અચોક્કસતાનો સામનો કરી રહ્યા છીએ. વડા પ્રધાને કહ્યું છે તેમ અમે દિવસોદિવસ, કલાકે કલાકે ડેટાની સમીક્ષા કરી રહ્યા છીએ. પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ પરંતુ, આપણે કશાને નકારી શકીએ નહિ.’ સુનાકે ઉમેર્યું હતું કે વડા પ્રધાને જરૂર પડે તો નવાં પગલા સંદર્ભે મતદાન કરવા પાર્લામેન્ટને બોલાવવા કટિબદ્ધતા જાહેર કરી જ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter