£૧ના જૂના સિક્કા વાપરવા માટે થોડો સમય બચ્યો છે!

Tuesday 03rd October 2017 15:23 EDT
 
 

 લંડનઃ એક પાઉન્ડના જૂના સિક્કા વાપરી નાખવા માટે લોકો પાસે હવે ઘણો ઓછો સમય બચ્યો છે. લોકો ખરીદી માટે તેનો ઉપયોગ ૧૫ ઓક્ટોબર સુધી જ કરી શકશે. આ પછી તેની ચલણમાં કાયદેસરતા નહિ રહે અને ખૂણેખાંચરે પડી રહેલા સિક્કા બદલાવવા ૧૬ ઓક્ટોબરથી પોસ્ટ ઓફિસ કે સ્થાનિક બેન્કમાં લઈ જવાની ફરજ પડશે.
એક પાઉન્ડની નોટના સ્થાને ૧૯૮૩માં આ ગોળ વજનદાર અને જાડા સિક્કા જારી કરાયા હતા. ટ્રેઝરી વિભાગ અને રોયલ મિન્ટના નિષ્ણાતો માને છે કે ૫૦૦ મિલિયન જૂના સિક્કામાંથી લાખો સિક્કા તો ઘર કે ઓફિસના સોફા અથવા લોકોનાં વોલેટ્સમાં દબાઈને પડ્યા હશે.ચલણમાં ફરતા ગોળ સિક્કાના આશરે દસમા ભાગના સિક્કા બનાવટી હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. રોયલ મિન્ટ તબક્કાવાર પરત આવેલા જૂના સિક્કામાંથી કેટલાકનો ઉપયોગ નવા સિક્કાની બનાવટમાં કરશે.
માર્ચ મહિનામાં રોયલ મિન્ટ દ્વારા એક પાઉન્ડ મૂલ્યના અને ૧૨ પાસા ધરાવતા નવા ૧.૫ બિલિયન સિક્કા જારી કરવામાં આવ્યા છે. રોયલ મિન્ટના ચીફ એક્ઝિક્યુટિવ આદમ લોરેન્સના કહેવા અનુસાર એક પાઉન્ડના નવા ચમકદાર સિક્કા અત્યાર સુધીમાં ઉત્પાદિત સિક્કાઓમાં સૌથી ઈનોવેટિવ અને સલામત છે. આ સિક્કામાં ક્વીનનાં ચહેરામાં સિક્યુરિટી ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter