સરેઃ કન્ઝર્વેટિવ પાર્ટીના શાસન હેઠળની સરે કાઉન્સિલે વડીલોની સંભાળમાં અનુભવાતી આર્થિક મુશ્કેલીને ધ્યાનમાં લઈને કાઉન્સિલ ટેક્સમાં ૧૫ ટકા વધારા માટે રેફરન્ડમ યોજવાની જાહેરાત કરી હતી. કાઉન્સિલના વડા ડેવિડ હોજે જણાવ્યું હતું કે સરકારી ગ્રાન્ટમાં £૧૭૦ મિલિયનના કાપને લીધે કાઉન્સિલના બજેટમાં ભારે ફરક પડી ગયો છે. ટેક્સમાં વધારાને મંજૂરીથી દરેક રહીશને વર્ષે સરેરાશ વધુ £૨૦૦ ચૂકવવાના થશે.
આ નિર્ણયને લીધે કાઉન્સિલ ટેક્સ વધારવા માટે હોમ કાઉન્ટિઝની કન્ઝર્વેટિવ શાસિત સંખ્યાબંધ કાઉન્સિલો રેફરન્ડમ યોજે તેવી આશંકા પણ ઉભી થઈ છે. હોજે કહ્યું હતું કે થેરેસા મેએ વિદેશોને સહાય બંધ કરીને એડલ્ટ કેર માટે વધુ રકમ ફાળવવી જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે સરકારે જીડીપીના ૦.૭ ટકાના વિદેશી સહાયના લક્ષ્યાંકને પડતો મૂકવો જોઈએ.
આ કાઉન્ટીમાં પોતાનો મતવિસ્તાર ધરાવતા હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટ અને ચાન્સેલર ફિલિપ હેમન્ડ તેમજ કેટલાક સિનિયર ટોરી સભ્યો માને છે કે આ પગલું સોશિયલ કેર માટે રકમની ચૂકવણીની સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ શોધવા તેમની પર દબાણ ઉભું કરવા માટેનું છે.
સોશિયલ કેર અંગેની ફરિયાદોમાં વધારા બાદ કોમ્યુનિટીઝ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે તે કાઉન્સિલોને ચાર્જીસમાં વધુ એક ટકાના વધારાને મંજૂરી આપશે. તે મુજબ બીલમાં અગાઉ મંજૂર કરાયેલા ૪ ટકાને બદલે ૫ ટકાનો વધારો થશે. વધારાની અડધાથી વધુ રકમ એડલ્ટ સોશિયલ કેર માટે રખાશે. પરંતુ, બીલમાં હજુ વધારો કરવાની જરૂર પડશે તેવી કાઉન્સિલોએ ચેતવણી ઉચ્ચારી હતી. જોકે, પાંચ ટકા કરતાં વધુ વધારો કરવો હોય તો રેફરન્ડમ જરૂરી છે.
ટોરી સાંસદો માને છે કે સરકારી ગ્રાન્ટમાં વધારો થવાની આશા ખૂબ ઓછી છે.

