£૩.૪ બિલિયનનો ‘સ્નેક ટેક્સ’ લાદી ઓબેસિટીનો સામનો કરવા ભલામણ

Wednesday 21st July 2021 04:46 EDT
 
 

લંડનઃ સ્થૂળ લોકોના શરીર પાતળા થાય કે નહિ તે અલગ બાબત છે પરંતુ, વોલેટ અવશ્ય પાતળું થઈ જશે! યુકેમાં ઓબેસિટી સામેના યુદ્ધમાં ખાંડ અને મીઠાંવાળા ખાદ્યપદાર્થો પર વિશ્વમાં સર્વપ્રથમ સુગર એન્ડ સોલ્ટ ટેક્સ લાદવા નેશનલ ફૂડ સ્ટ્રેટેજીના રિપોર્ટમાં ભલામણ કરાઈ છે. સૂચિત ૩.૪ બિલિયન પાઉન્ડના ‘સ્નેક ટેક્સ’થી ચાર વ્યક્તિના બ્રિટિશ પરિવારના ખિસ્સામાં વાર્ષિક ૨૪૦ પાઉન્ડનું ગાબડું પડશે. ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં ૨૦૧૮થી સોફ્ટ ડ્રિન્ક્સ પર સુગર ટેક્સ લગાવાયો છે.

રેસ્ટોરાં ચેઈન લીઓનના સ્થાપક હેન્રી ડિમ્બલબીની આગેવાનીમાં નેશનલ ફૂડ સ્ટ્રેટેજીના રિપોર્ટમાં ૩.૪ બિલિયન પાઉન્ડનો ‘સ્નેક ટેક્સ’ લાદવા ભલામણ કરાઈ છે. ઈંગ્લેન્ડની વસ્તી આશરે ૫૬ મિલિયન છે અને ટેક્સનો સરેરાશ બોજ વ્યક્તિદીઠ ૬૦ પાઉન્ડ જેટલો થશે. ડિમ્બલબીએ જણાવ્યું હતું કે આ ટેક્સથી ઉત્પાદક કંપનીઓને તેમની રેસિપીમાં ફેરફાર કરવાની અથવા પોર્શન્સ-કોળિયાની સાઈઝ ઘટાડવાનું પ્રોત્સાહન મળશે. રિપોર્ટના આલેખકોના જણાવ્યા મુજબ સૂચિત ટેક્સથી વ્યક્તિદીઠ દરરોજ સરેરાશ ૪થી ૧૦ ગ્રામ ખાંડ તેમજ ૦.૨થી ૦.૬ ગ્રામ મીઠાનું પ્રમાણ તેમજ કેલોરીના પ્રમાણમાં ૧૫થી ૩૮ કેલોરી જેટલો ઘટાડો જોવા મળશે.

નેશનલ ફૂડ સ્ટ્રેટેજીના રિપોર્ટ અનુસાર પ્રોસેસ્ડ ફૂડમાં ઉપયોગ માટે જથ્થાબંધ વેચાતી ખાંડ અને સોલ્ટ-મીઠા પર પ્રતિ કિલોગ્રામ અનુક્રમે ૩ અને ૫ પાઉન્ડના નવા ટેક્સની ભલામણ કરાઈ છે. રિપોર્ટ મુજબ ઈંગ્લેન્ડમાં બિનઆરોગ્યપ્રદ આહારથી દર વર્ષે ૬૪,૦૦૦ મોત થાય છે અને અર્થતંત્રને અંદાજે ૭૪ બિલિયન પાઉન્ડનો ફટકો પડે છે.

હેલ્થ ચેરિટીઝ અને ડોક્ટરોએ ખર્ચાળ દવાઓ અને સારવારનો બોજ ઘટાડવામાં મદદરુપ થનારી આ દરખાસ્તોને આવકારી છે. જોકે, ફૂડ અને ડ્રિન્ક ઈન્ડસ્ટ્રી વેપાર સંસ્થાએ ચેતવણી આપી હતી કે વધારાનો ખર્ચ ગ્રાહકોના શિરે આવશે અને રેસ્ટોરાં અને સુપરમાર્કેટ્સમાં વસ્તુઓના ભાવ વધી જશે. સ્નેક ટેક્સના લીધે કેલોગ્સની ફ્રોસ્ટીઝના બોક્સમાં ૮૭ પેન્સ અને બોન મામન રાસ્પબેરી કોન્ઝર્વની કિંમતમાં ૬૩ પેન્સ વધી જશે.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter