£૩૩ મિલિયનની લોટરીની ટિકીટ સુસાન હિંટે કપડા સાથે ધોઇ નાંખી

- કમલ રાવ Tuesday 26th January 2016 12:31 EST
 
 

યુકેના નેશનલ લોટરીના ઇતિહાસમાં સૌથી મોટા ઇનામ £૬૬ મિલિયનની લોટરીમાં સહ વિજેતા થનાર વુસ્ટરની ૪૮ વર્ષની સુસાન હિંટે પોતાની લોટરીની ટિકીટ જીન્સ સાથે ધોઇ નાંખી હોવાનું અને આ લોટરીની ટિકીટ બર્મિંગહામ નજીક આવેલા વુસ્ટરના આપણા ગુજરાતી દુકાનદાર નટુભાઇ પટેલને ત્યાંથી ખરીદી હોવાનું બહાર આવ્યું છે. £૩૩ મિલિયનના ઇનામની ટિકીટ ધરાવનાર સુસાને પોતાના ઇનામ માટે કેમલોટને જણાવી દીધું છે.

વુસ્ટરના એમ્બલસાઇડ ખાતે એમ્બલસાઇડ ન્યુઝ નામની દુકાન ધરાવતા મૂળ નવસારી જિલ્લાના વેલણપોર ગામના નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે 'મારી દુકાનમાંથી ખરીદાયેલી ટીકીટ ધરાવનાર વ્યક્તિને £૩૩ મિલયનના ઇનામ લાગ્યું હોવાની જાહેરાત થતાં હું ખૂબજ અનંદ અનુભવું છું. ગત શુક્રવાર તા. ૨૨ના રોજ મારી નિયમીત ગ્રાહક સુસાન હિંટ મારી દુકાને આવી હતી અને £૩૩ મિલિયનના ઇનામની લોટરીની ટિકીટ પોતાની હોવાનું જણાવ્યું હતું. શરૂઆતમાં સુસાન ગભરાયેલી જણાઇ હતી પણ મેં તેને હિંમત આપી શાંતિથી બધી વાત કરી હતી. સુસાન લોટરીની ટિકીટ ખરીદીને ઘરે ગયા પછી ભૂલી ગઇ હતી અને ઇનામ જાહેર થયા બાદ તેની દિકરીએ લોટરી વિષે વાત કરતા તેને લોટરીની ટિકીટ ખરીદી હોવાનું યાદ આવ્યું હતું. સુસાને વોશીંગ મશીનમાં ધોઇ કાઢેલા જીન્સના ખીસ્સા ફેંદતા ચુંથાઇ ગયેલી લોટરીની ટિકીટ મળી હતી. મા-દિકરીએ હેર ડ્રાયર વડે લોટરીની ટિકીટને સુકવીને તપાસ કરતા તેમાં વિજેતા ટિકીટના તમામ નંબરો જણાયા હતા.'

નટુભાઇ પટેલે ટિકીટ ચેક કરી સુસાનને ટિકીટની પાછળ સહી કરી તે ટિકીટ પૂંઠા પર મૂકી તેના પર પ્લાસ્ટિકનું આવરણ ચઢાવી કેમલોટને મોકલવા સલાહ આપી હતી અને સુસાનની આ વિજેતા ટિકીટ કેમલોટને મળી પણ ગઇ છે. સુસાનની ટિકીટના બારકોડ, તારીખ અને અમુક અક્ષરો ભુસાઇ ગયા છે. પરંતુ બાકીના નંબર બરોબર દેખાય છે. હવે લોટરી સંચાલક કેમલોટ આ ટિકીટની ફોરેન્સીક તપાસ કરાવશે અને દુકાનના સીસીટીવી ફૂટેજ ચેક કરી જો ટિકીટ સાચી જણાશે તેમજ ૧૮૦ દિવસમાં અન્ય કોઇ વ્યક્તિ દાવેદારી નહિં કરે તો સુસાનને ઇનામની £૩૩ મિલિયનની તેના ભાગની રકમ આપી દેવાશે.

નટુભાઇ પટેલે જણાવ્યું હતું કે 'ઇનામ વિજેતા સુસાન બે સંતાનો અને ૪ ગ્રાન્ડ ચિલડ્‌રન ધરાવે છે. તે સામાન્ય રીતે નિયમીત લોટરીની ટિકીટ નિયમીત લેતી નથી, પરંતુ તેને જ્યારે અંદરથી 'લકી' હોવાનો અહેસાસ થાય ત્યારે તે લોટરીની ટિકીટ ખરીદતી હતી. સુસાન હજુ હમણાં જ લાંબી બીમારીમાંથી સારી થઇ છે અને હવે તેને આ ઇનામ લાગતા તેનું તો જાણે કે જીવન જ બદલાઇ ગયું છે. સુસાનને લોટરી લાગી હોવાની માહિતી કોઇક રીતે બહાર આવતાં જ ટીવી ચેનલો અને પત્રકારોના ધાડાં તેનાઘર પર ધસી ગયા હતા.'

સુસાન પોતે જર્મનીની વતની છે અને તેણે સોલ્જર સાથે લગ્ન કર્યા હતા અને પછી તેના છૂટાછેડા થયેલા છે. તે પછી નીક સ્કોટ (૪૪) સાથે લગ્ન કર્યા હતા અને તેમના વચ્ચે છુટાછેડા થયા નથી પણ તેઅો અલગ રહે છે. જ્યારે નિકના બાળકો સુસાન સાથે રહે છે. તેની ૨૮ વર્ષની દિકરી નતાશા ડગ્લાસે પત્રકારોને જણાવ્યું હતું કે 'મારી માતા સુસાનને ઇનામ લાગ્યું હોવાની જાણ થઇ ત્યારથી તેને ઉંઘ આવી નથી.' સુસાનને ૨૦૦૩ના બાકી નીકળતા દંડ પેટે સાત વખત કોર્ટમાં બોલાવાઇ હતી અને મે' ૨૦૧૪માં તેને વાહનને લગતા ગુના બદલ £૬૦૦નો દંડ અને ૬ પોઇન્ટ આપવામાં આવ્યા હતા.

લોટરીના ઇનામમાંથી તમને કોઇ કમિશન મળશે તેમ પૂછતાં મા જગદંબાના ભક્ત એવા નટુભાઇએ જણાવ્યું હતું કે 'ભાઇ, સવારે આપણે સાજા-સમા જાગીએ છીએ તે આપણા માટે લોટરી જ છે ને! માતાજીએ આપણને તંદુરસ્તી આપી છે તે લોટરીથી કાંઇ કમ થોડુ છે. તમે ગમે તે કામ કરો તે એક પ્રકારની સેવા જ છે. આ લોટરી મારે ત્યાંથી ખરીદાઇ છે તેવી માહિતી પ્રસરતા મને લોટરી સહિત અન્ય માલસામાનના વેચાણમાં ખૂબ જ સરસ પ્રતિભાવ સાંપડ્યો છે.'

નટુભાઇ પટેલ પોતે ૧૯૬૭માં યુકે આવ્યા હતા અને તેમના પત્ની હંસાબેન ૧૯૭૩માં યુકે આવ્યા હતા. હંસાબેન ચિખલી તાલુકાના પિપલગભાણ ગામના વતની છે અને તેમના બે પુત્રો છે પૈકી મોટો પુત્ર લંડનમાં રહે છે.

£૬૬ મિલિયનની લોટરીના સહ વિજેતા તરીકે સ્કૌટીશ બોર્ડર પરના હેવીક ગામના ડેવિડ અને કેરોલ માર્ટીન આ અગાઉ £૩૩ મિલિયનની બીજી ટિકીટના વિજેતા જાહેર થઇ ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter