લંડનઃ ચાન્સેલર રિશિ સુનાક અત્યારે ઈન્કમ ટેક્સ નહિ ચૂકવતા વર્કર્સને ટેક્સ જાળમાં ખેંચી લાવવા સજજ થઈ રહ્યા છે. તેઓ ચૂપકીદીપૂર્વક પર્સનલ એલાવન્સીસને સ્થગિત કરવા ઉપરાંત, વધુ ચાર મિલિયન વર્કર્સને ૪૦ ટકા ઊંચા ટેક્સ બેન્ડમાં ખેચી લાવશે. ચાન્સેલર ૪૦ બિલિયન પાઉન્ડનો સ્ટીલ્થ ટેક્સ લાદી રહ્યા છે.
સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિસર્ચ (CEBR)નો અભ્યાસ દર્શાવે છે કે અત્યારે ઓછું વેતન મેળવતા અને ઈન્કમ ટેક્સ નહિ ચૂકવતા પાંચ મિલિયન વર્કર્સને ફૂગાવો ઊંચો રહે તેવી હાલતમાં આગામી ચાર વર્ષમાં ચેક્સજાળમાં ખેંચી લવાશે. તેમણે તેમની કમાણીના હિસ્સા પર આશરે ૨૦ ટકાનો ટેક્સ ચૂકવવો પડશે કારણકે ચાન્સેલર રિશિ સુનાક દ્વારા ધીમે ધીમે પર્સનલ એલાવન્સીસ સ્થગિત કરાઈ રહ્યા છે. આ ઉપરાંત, વધુ ચાર મિલિયન બ્રિટિશરો ૪૦ ટકાની ઊંચી ટેક્સજાળમાં ખેંચી લવાશે.
ચાન્સેલરે ઈન્ફ્લેશનમાં વધારા અગાઉ ગત માર્ચ મહિનામાં કડક પગલાં લીધાં હતા. જે વર્તમાન નેશનલ ઈન્સ્યુરન્સ ફાળામાં ૧.૨૫ ટકાના વધારાની કાગારોળમાં દબાઈ ગયા છે. ઈન્ફ્લેશન ૫.૫ ટકા ઊંચે ગયું છે જે ૩૦ વર્ષમાં સૌથી વધુ છે. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે પર્સનલ એલાવન્સીસ અને ટેક્સમર્યાદા પરના પગલાંથી બ્રિટિશરોએ ૨૦ બિલિયન પાઉન્ડના NI વધારા કરતાં પણ વધુ બોજો સહન કરવાનો થશે.
વાર્ષિક ૧૨,૭૫૦ પાઉન્ડની આવક પર બેઝિક રેટ ટેક્સ ૨૦ ટકા છે. ટેક્સનો ઊંચો ૪૦ ટકાનો દર વાર્ષિક ૫૦,૨૭૧ પાઉન્ડની આવક પર અને ૪૫ ટકાનો દર વાર્ષિક ૧૫૦,૦૦૦ પાઉન્ડથી વધુની આવક પર લાગુ થાય છે. CEBRના અંદાજ મુજબ બેઝિક રેટ ટેક્સ ચુકવતા વર્કર્સની સંખ્યા પાંચ મિલિયનના વધારા સાથે ૨૦૨૬ સુધીમાં ૩૭ મિલિયન જ્યારે ઊંચા દરે ટેક્સ ચુકવાનારા વર્કર્સની સંખ્યા બમણી થઈને આઠ મિલિયન થઈ જશે.

