£૫ની જૂની ૩૦૦ મિલિયન નોટ્સનો ખાતરમાં ઉપયોગ થશે

Monday 23rd January 2017 10:34 EST
 
 

લંડનઃ આગામી પાંચ મેથી ૩૦૦ મિલિયન કરતાં વધુ જૂની કોટન પેપરની પાંચ પાઉન્ડની નોટો ચલણમાંથી નાબૂદ થશે. જોકે, તે પછી પણ આ નોટો ખેડૂતોને કંઈક અંશે કામ લાગશે. આ નોટોનું રિસાયકલિંગ કરીને તેનો ખેતી માટે ખાતરમાં ઉપયોગ કરાશે. ચાર મહિના પછી પ્લાસ્ટિકની £૫ની નવી નોટો ચલણમાં આવશે તે પહેલા જૂની નોટોનો ઉપયોગ કરી લેવા ગ્રાહકોને તાકીદ કરાઈ છે.

જોકે, હજુ આવી ૧૬૫ મિલિયન નોટ ચલણમાં છે. નિશ્ચિત મુદત બાદ પણ લોકો આ નોટો બેંકો, બિલ્ડીંગ સોસાયટીઓ અથવા પોસ્ટ ઓફિસોમાં બદલાવી શકશે. જોકે, ખરીદી માટે સ્ટોર્સમાં તેનો ઉપયોગ કરી શકાશે નહીં.

દર વર્ષે લગભગ ૭૦૦ મિલિયન નોટ જૂની થતાં, ફાટી જતાં કે ગંદી બનતા ચલણમાંથી પાછી ખેચી લેવાય છે. ૧૯૯૦ સુધી બેંક ઓફ ઈંગ્લેન્ડને પાછી અપાયેલી આવી તમામ ચલણી નોટ્સ સળગાવી દેવાતી હતી. ‘૯૦ના દાયકાની શરૂઆતમાં આવી નોટો ઉર્જા પ્રાપ્ત કરવા માટે સળગાવાતી હતી. જોકે, ‘૨૦૦૦ના દાયકાના પ્રારંભમાં ફૂડ વેસ્ટની ટ્રીટમેન્ટની માફક ખાતરની બનાવટમાં તેને ઉપયોગમાં લેવાનું શરૂ કરાયું.

૨૦૧૧થી આ નોટોનો ઉપયોગ જમીન ફળદ્રુપ બને તે માટે ખાતર તરીકે કરાય છે. જોકે, પોલિમર નોટો ખાતર માટે યોગ્ય નથી. તેના નાના દાણા બનાવાશે, તેમાંથી છોડ માટેના કૂંડા જેવી પ્લાસ્ટિકની નવી વસ્તુઓ બનાવાશે.

અગાઉ, રોયલ મિન્ટ દ્વારા જણાવાયું હતું કે ટૂંક સમયમાં ચલણમાં આવનારા £૨ના પાંચ મિલિયન સિક્કા પર લેખિકા-નોવેલિસ્ટ જેન ઓસ્ટિનનું રેખાચિત્ર મૂકાશે. £૧૦ની પ્લાસ્ટિકની નવી નોટ પર પણ ચાર્લ્સ ડાર્વિનનું ચિત્ર હટાવી ઓસ્ટિનનું રેખાચિત્ર મૂકાશે. આ ઉપરાંત, માર્ચ મહિનાથી શરૂ કરી છ મહિનામાં જ ૧૨ પાસા સાથેના £૧ના એક બિલિયનથી વધુ સિક્કા પણ બજારમાં મૂકવામાં આવનાર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter