£૫૦ બિલિયનની બેન્કનોટ્સ ચલણમાંથી ‘લાપતા’

જુલાઈ ૨૦૨૦માં ૭૬.૫ બિલિયન પાઉન્ડના મૂલ્યની ૪.૪ બિલિયન ચલણી નોટ્સ વિક્રમી સંખ્યામાં ચલણમાં ફરતી હતીઃ કોવિડ-૧૯ના કારણે રોકડિયા વ્યવહારોમાં ભારે ઘટાડો

Friday 25th September 2020 02:45 EDT
 
 

લંડનઃ નેશનલ ઓડિટ ઓફિસ (NAO)ના ચોંકાવનારા અહેવાલમાં જણાવાયું છે કે ૫૦ બિલિયન પાઉન્ડના મૂલ્યની બેન્કનોટ્સ ચલણમાંથી ‘લાપતા’ છે. NAO નું કહેવું છે કે આ નોટ્સ ‘શેડો ઈકોનોમી’ સ્વરુપે વિદેશમાં હોઈ શકે અથવા જાહેરાત ન કરાઈ હોય તેવી બચતમાં પણ હોઈ શકે છે. ગત દાયકામાં ચલણી નોટ્સ અને સિક્કાઓનો વપરાશ ઘટ્યો છે ત્યારે રોકડ સંબંધિત અહેવાલ જારી કરાયો છે. NAOના અહેવાલ મુજબ જુલાઈ ૨૦૨૦માં ૭૬.૫ બિલિયન પાઉન્ડના મૂલ્યની ૪.૪ બિલિયન ચલણી નોટ્સ વિક્રમી સંખ્યામાં ચલણમાં ફરતી હતી.

બેન્ક ઓફ ઈંગ્લેન્ડના અંદાજ અનુસાર ચલણમાં ફરતી નોટ્સના મૂલ્યના ૨૦થી ૨૪ ટકા નોટ્સ ઉપયોગમાં છે અથવા નાણાકીય વ્યવહારમાં રોકાયેલી છે. આ ઉપરાંત, વધુ પાંચ ટકા નોટ્સ યુકેના પરિવારોમાં બચત સ્વરુપે છે. આ સિવાયની આશરે ૫૦ બિલિયન પાઉન્ડના મૂલ્યની નોટ્સ વિશે કોઈ જાણકારી નથી.

રિપોર્ટમાં જણાવાયું છે કે માગની પહેંચી વળવા જેટલી નોટ્સ (રોકડ) બજારમાં છે પરંતુ, તેના વ્યવહાર વિશે ચિંતા દર્શાવાઈ છે. ૧૦ વર્ષ અગાઉ, ૧૦માથી છ નાણાકીય વ્યવહારોમાં રોકડનો ઉપયોગ થતો હતો પરંતુ, ગયા વર્ષે ૧૦માંથી ત્રણથી પણ ઓછાં નાણાકીય વ્યવહારોમાં જ રોકડનો ઉપયોગ થયો હતો. આગાહી તો એમ કરાઈ છે કે ૨૦૨૮ સુધીમાં ૧૦માંથી એક વ્યવહાર જ રોકડમાં થશે. કદાચ કોવિડ-૧૯ના કારણે રોકડિયા વ્યવહારોમાં ભારે ઘટાડો થયાનું કહેવાય છે. ઈન્ડસ્ટ્રીના ડેટા મુજબ માર્ચની શરુઆત અને એપ્રિલના મધ્ય ગાળા સુધીમાં નોટ્સ અને સિક્કાની બજારમાંગમાં ૭૧ ટકાનો ભારે ઘટાડો જોવાયો હતો. જોકે, બિઝનેસીસ ખુલવા સાથે રોકડ વ્યવહારોમાં સુધારો આવી રહ્યો છે.

દેશી રોકડ નાણાની સિસ્ટમમાં ટ્રેઝરી, બેન્ક ઓફ ઈંગ્લેન્ડ, રોયલ મિન્ટ, ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી અને પેમેન્ટ્સ સિસ્ટમ્સ રેગ્યુલેટર સહિતની પાંચ જાહેર સંસ્થાઓની ભૂમિકા છે. જોકે, કન્ઝ્યુમર માટે સારું શું છે તેના વિશે તેઓ એકમત ધરાવતા નથી. NAO કહે છે કે વયોવૃદ્ધ લોકો અને ઓછી આવક ધરાવનારા લોકો રોકડ વ્યવહાર પર વધુ આધાર રાખે છે. માર્ચ મહિનામાં સરકારે રોકડ મેળવવાની સુવિધાના રક્ષણ માટે કાયદાની જાહેરાત કરી હતી. પરિણામે, લોકોને રોકડ મેળવવામાં તકલીફ પડે છે. આ મુદ્દે ટ્રેઝરી અનુસાર લોકોને જરુર હોય ત્યારે રોકડ મેળવી શકે તેની ચોકસાઈ રાખવા નવો કાયદો ઘડાઈ રહ્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter