£૫૦ હજારના લોટરી લાગી છે £૨૫૦ મોકલો પાકિસ્તાનથી આવતા ફોનથી સાચવજો

- કમલ રાવ Tuesday 26th January 2016 15:03 EST
 

'સલામ આલેકુમ ચાચા, આપકો £૫૦,૦૦૦ કી લોટરી લગી હૈ, પર ઉસકે પહેલે આપકો £૨૫૦ હમે વેસ્ટર્ન યુનિયન યા તો ફીર પોસ્ટ સે ભેજના પડેગા. એક બાર વો મીલ જાયેગા તો આપ કે બેન્ક એકાઉન્ટમે લોટરી કે ઇનામ કા £૫૦,૦૦૦ ડાલ દેંગે' આવો ફોન લેસ્ટરના આપણા જ એક વાચક મિત્ર આતીયાભાઇ વિશાનાને મળ્યો હતો. પરંતુ 'ગુજરાત સમાચાર'માં અવારનવાર આવતા ચેતવણી આપતા અહેવાલોને કારણે પહેલેથી જ સચેત આતીયાભાઇએ પૈસા મોકલવા તો દુર આવા ગઠિયાઅોથી બીજા કોઇ છેતરાય નહિં તે માટે 'ગુજરાત સમાચાર'ને જ જાણ કરી દીધી. આશા છે કે આ અહેવાલ વાંચીને આપના કોઇ નિર્દોષ ભાઇ બહેન છેતરાશે નહિં.

લેસ્ટરમાં વસતા આતીયાભાઇ વિશાના નામના વાચક મિત્રએ ફોન કરીને માહિતી અપતાં જણાવ્યું હતું કે ગત તા. ૨૦-૧-૨૦૧૬ના રોજ સવારે તેમને પાકિસ્તાનના જણાતા ફોન નંબર પરથી ઉર્દુ મિશ્રીત હિન્દી ભાષામાં ફોન કરવામાં આવ્યો હતો. અવારનવાર 'અસલામ આલેકુમ' અને પાકિસ્તાનમાં બોલાતા રોજબરોજના વાક્યો બોલતા ગઠીયાઅોએ આતીયાભાઇને જણાવ્યું હતું કે 'આપ જે મોબાઇલ ફોનનું સીમ કાર્ડ વાપરો છો તે કંપનીના વિવિધ ગ્રાહકોના નંબર મેળવીને અમે લોટરીનો ડ્રો કર્યો હતો અને તેમાં તમને £૫૦,૦૦૦ ઇનામ લાગ્યું છે. પરંતુ આ ઇનામ મેળવવા માટે તમારે વેસ્ટર્ન યુનિયન કે પોસ્ટ દ્વારા અમને £૨૫૦ની રકમ અમે કહીએ તે સરનામે મોકલવી પડશે.' આટલું કહીને તે ગઠીયાએ આતીયાભાઇને બીજો ફોન નંબર આપી તેમના મેનેજર સાથે વાત કરવા વિનંતી કરી હતી.

અવારનવાર 'ગુજરાત સમાચાર'માં આવી રીતે ધુતારાઅો અને ગઠીયાઅો દ્વારા નિર્દોષ લોકોને છેતરવા માટે પ્રયાસો કરાતા હોવાના સમાચાર વાંચીને સચેત થઇ ગયેલા આતીયાભાઇએ જાણી લીધું હતું કે આ કોઇ ગઠીયાનો જ ફોન છે. ધુતારાઅોને ખુલ્લા પાડવાના ઇરાદે આતીયાભાઇએ ફોન ખર્ચના પોતાના પાઉન્ડ બે પાઉન્ડનું બેલેન્સ ભલે ઘટતું પણ ધુતારાઅોને ખુલ્લા પાડી, બધી માહિતી છાપામાં છપાવીને જ રહીશ એવા નિર્ધાર સાથે ગઠીયાઅોએ આપેલા નંબર પર પાકિસ્તાન ફોન કર્યો હતો.

આતીયાભાઇએ તે ગઠીયા મેનેજરને ફોન કરતાં જ તેણે જણાવ્યું હતું કે 'તમે અમને £૨૫૦ મોકલી આપશો એટલે અમે તમને એક રેફરન્સ નંબર આપીશું. નેટવેસ્ટ બેન્કમાં જજો અને તમે તે રેફરન્સ નંબર બેન્કમાં આપશો એટલે તેઅો તમારા બેન્ક એકાઉન્ટમાં લોટરીના ઇનામના £૫૦,૦૦૦ જમા કરાવી દેશે.'

ગઠીયાઅો પાસેથી બધી માહિતી જાણી લીધા બાદ આતીયાભાઇએ પોતાનો મિજાજ બતાવ્યો હતો. આતીયાભાઇએ ગઠીયાઅોને જણાવ્યું હતું કે 'મારી પાસે તો £૨૫૦ નથી. હું તો ઘરડો અને બીમાર માણસ છું. અત્યારે મારા પાસે તો માત્ર £૫ પડ્યા છે.' ગઠીયાઅોએ બકરો મળ્યો છે તો જેટલા મળતા હોય તેટલા પૈસા પડાવી લેવા આતીયાભાઇને જણાવ્યું હતું કે 'ચાચા તમે કોઇની પાસેથી ઉછીના મેળવી લો અને પછી તેને ડબલ પૈસા પાછા આપી દેજો.' પણ આતીયાભાઇ ન માનતા ગઠીયાઅો £૨૫૦થી ઘટીને £૧૦૦ અને છેલ્લે £૨૦ સુધી આવી ગયા હતા. પરંતુ આતીયાભાઇએ તો મારી પાસે તો માત્ર £૫ જ પડ્યા છે તેવું ગાણુ પકડી રાખતા આખરે કંટાળીને ધુતારાઅોએ સામેથી ફોન મૂકી દીધો હતો. અને ત્યારે આતીયાભાઇના ચહેરા પર ખૂબજ મઝાનું વિજયી સ્મિત ફરકી ગયું હતું. ગઠીયાઅોને ક્યાં ખબર હતી કે તેમણે કોઇક અલગ જગ્યાજ હાથ માર્યો છે.

આતીયાભાઇ ગુજરાતના પોરબંદરના બગવાદરના વતની છે અને હસત હસતા તેમને જણાવ્યું હતું કે 'હું તો તેમના પૈસા કાઢી લઉ તેવો પોરબંદરનો માણસ છું એમ થોડો છેતરાઉ!'

મિત્રો, અજકાલ ઇમેઇલ, વોટ્સઅપ અને ઘરે ટપાલ દ્વારા આવા ઘણા સંદેશ અને કાગળો લોકોને મળે છે જેમાં ધુતારાઅો પોતાનો હાથ અજમાવી લેવા લોકોને લલચાવી ફોસલાવીને નાણાં પડાવી લેવાનો પ્રયાસ કરે છે. આ બધા વચ્ચે એક વાત સમજી લેવાની જરુર છે કે તમે જ જ્યારે કોઇ લોટરી ટિકીટ માટે કે ઇનામ માટે પ્રયત્ન કર્યો નથી ત્યારે તમને ઇનામ લાગે કઇ રીતે? મિત્રો આવી રીતે પૈસા મોકલતા પહેલા તમારા બે ચાર મિત્રોનો અભિપ્રાય જરૂર લેજો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter