લંડનઃ જૂની ઈન્ફર્મેશન ટેક્નોલોજીને બદલવા માટે સરકારના સ્પેન્ડિંગ રિવ્યૂમાં ૬૦૦ મિલિયન પાઉન્ડની કરાયેલી જાહેરાતમાં HM રેવન્યુ એન્ડ કસ્ટમ્સ (HMRC) અને હોમ ઓફિસ મુખ્ય લાભાર્થી બન્યા હતા. આ બન્ને વચ્ચે ટેક ઈન્વેસ્ટમેન્ટ ફંડનો મુખ્ય હિસ્સો જશે. તેમાં HMRCને ૨૬૮ મિલિયન પાઉન્ડ અને હોમ ઓફિસને ૨૩૨ મિલિયન પાઉન્ડ ફાળવવામાં આવ્યા છે. ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશનને તેના આઈટી માળખાને અપગ્રેડ કરવા માટે ૬૪ મિલિયન પાઉન્ડ અપાશે જ્યારે મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસને ૪૦ મિલિયન પાઉન્ડ અપાશે.
રિવ્યૂમાં જણાવાયું હતું કે આ નાણાંથી મુખ્ય સિસ્ટમો સુરક્ષિત રાખવામાં અને સારા વહીવટને મદદ મળી શકશે અને આ ડિપાર્ટમેન્ટ્સની ટેક્નોલોજીને અદ્યતન બનાવવામાં આવશે. આ નાણાંરોકાણથી સિસ્ટમ ફેઈલ થવાનું જોખમ ઘટશે, કાર્યદક્ષતા વધશે અને છેવટે પ્રજાને સારી સેવા મળી શકશે.
ટેક્સ અને બેનિફિટ સંબંધિત પ્રોપર્ટી અને વેલ્યુએશનના મુદ્દાઓમાં સરકારને સલાહ આપતી HMRCના ભાગરૂપ સંસ્થા વેલ્યુએશન ઓફિસ એજન્સી (VOA) ને તેની આઈટી સિસ્ટમ્સના આધુનિકરણ માટે ૨૨ મિલિયન પાઉન્ડ અપાશે. તેનાથી VOAને વધુ કાર્યદક્ષ બનાવવામાં મદદ મળશે.
ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસને પણ નવો રચાયેલો વિભાગ શક્ય તેટલી અસરકારક અને કાર્યક્ષમતાથી કાર્ય કરી શકે તે માટે ૧૪ મિલિયન પાઉન્ડ અપાશે.
આ રિવ્યૂ એક વર્ષ માટેનો જ છે. ચાર વર્ષનો કોમ્પ્રિહેન્સિવ સ્પેન્ડિંગ રિવ્યૂ આવતા વર્ષે હાથ ધરવામાં આવશે. આ પ્રક્રિયા આમ તો ૨૦૧૯માં હાથ ધરાવાની હતી પરંતુ, એક વખત બ્રેક્ઝિટને લીધે સરકાર સમક્ષ મૂકાયેલી માગણીઓને લીધે અને બીજી વખત કોરોના વાઈરસને કારણે એમ બે વખત વિલંબમાં મૂકાઈ હતી.
ગયા વર્ષે ગવર્નમેન્ટ ડિજીટલ સર્વિસ દ્વારા લેગસી આઈટી સિસ્ટમ્સનું સરકારના વિભાગોમાં ઓડિટ હાથ ધરાયું હતું. ચીફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરી સ્ટીવ બાર્કલેએ જણાવ્યું હતું કે સ્પેન્ડિંગ રિવ્યૂનું મુખ્ય ધ્યાન લેગસી આઈટી પર અપાશે.