લંડનઃ પરિવારના ચાર સભ્યો સાથે મળી વેલ્સની ૫૩ વર્ષીય સોનિયા ડેવિસે યુરોમિલિયન્સ લોટરીમાં ૬૧,૧૦૨, ૪૪૨ પાઉન્ડનો જેકપોટ જીતી લીધો છે. વિજેતા સોનિયાએ ઈનામી રકમમાંથી તેના એક પુત્ર સ્પેન્સર પઘ સિવાય બે પુત્રીઓ, એક પુત્રીના અને પોતાના પાર્ટનરને ૧૨-૧૨ મિલિયન પાઉન્ડ ફાળવવા નિર્ણય કર્યો છે. પિતાની સાથે અલગ રહેતા સ્પેન્સરે કહ્યું હતું કે તેને કોઈ રકમ અપાશે કે કેમ તેની જાણ નથી. મિસ ડેવિસે લોટરીમાં ઈનામ જીત્યાંની જાણ સ્પેન્સરને ફોન દ્વારા કરી હતી.
લોટરીના ડ્રો પહેલા મિસ ડેવિસનું ફ્લોરિડામાં મોતને હાથતાળી આપતું સફળ ઓપરેશન કરાયું હતું. પોતાને નસીબવાન માની તેણે લોટરીની ટિકિટ ખરીદવાં ઈચ્છા દર્શાવતાં પુત્રી સ્ટેફાનીએ છ ‘લકી ડિપ’ ટિકિટ ખરીદી હતી. મિસ ડેવિસ, તેમના પાર્ટનર કિથ રેનોલ્ડ્સ (૫૫), પુત્રીઓ સ્ટેફાની (૨૩) અને કોર્ટની (૧૯) તેમજ સ્ટેફાનીના બોયફ્રેન્ડ સ્ટીવ પોવેલ (૩૦)ની બનેલી સિન્ડીકેટના તમામ છ નંબર્સ લકી ડિપ સાથે મેચ થયા હતા. તેઓ ઈનામી રકમની વહેંચણી કરશે, જેમાં દરેક સભ્યને આશરે ૧૨.૨ મિલિયન પાઉન્ડ મળશે.
સ્પેન્સર પઘ મિસ ડેવિસના પ્રથમ પતિ ક્રિસ પઘના પુત્ર છે અને તેઓ બંને અલગ થયા ત્યારે આઠ વર્ષનો સ્પેન્સર પિતાની સાથે રહ્યો હતો. મિસ ડેવિસના બીજા પતિ માલ્કોમ ડેવિસનું કેન્સરથી મોત થયું હતું.


