લંડનઃ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને પરત લેવાનો ઇનકાર કરનાર દેશો પર વિઝા પ્રતિબંધ લાદવાની જાહેરાત હોમ સેક્રેટરી શબાના માહમૂદ દ્વારા કરાઇ છે. અમેરિકી પ્રમુખ ટ્રમ્પની સ્ટાઇલમાં 4000 કરતાં વધુ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ અને ક્રિમિનલ્સને પરત લેવાનો ઇનકાર કરનારા આફ્રિકન દેશો અંગોલા, નામિબિયા અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો પર વિઝા પ્રતિબંધ લાદવામાં આવશે. યુકે દ્વારા પહેલીવાર કોઇ દેશ પર વિઝા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગેરકાયદેસર માઇગ્રન્ટ્ને પરત લેવામાં ભારત પણ સહકાર ન આપનારા દેશોની યાદીમાં સામેલ છે. ભારતને પણ આગામી વર્ષથી વિઝા પ્રતિબંધની યાદીમાં સમાવિષ્ટ કરાય તેવી સંભાવના છે.
સૌથી વધુ ગેરકાયદેસર માઇગ્રન્ટ અફઘાનિસ્તાન, ઇરિટ્રિયા, ઇરાન, સુદાન અને સીરિયાના
બ્રિટનમાં ગેરકાયદેસર રીતે આવતા માઇગ્રન્ટ્સમાં સૌથી વધુ અફઘાનિસ્તાન, ઇરિટ્રિયા, ઇરાન, સુદાન અને સીરિયાના નાગરિકો છે. આ દેશોના નાગરિકોને સૌથી ઓછા વિઝા જારી કરવામાં આવે છે. છેલ્લા એક વર્ષમાં જે ગેરકાયદેસર માઇગ્રન્ટ્સ ઇંગ્લિશ ચેનલ પાર કરીને આવ્યા તેમાં સૌથી વધુ 6589 અફઘાનિસ્તાન, 6267 ઇરિટ્રિયા, 5367 ઇરાન, 4318 સુદાન અને 4216 સીરિયાથી આવ્યા હતા.

