લંડનઃ વારસાની લડાઇમાં પરાજિત થનાર હેરોના 58 વર્ષીય અંજુ પટેલને હવે લીગલ બિલ પેટે 4,00,000 પાઉન્ડ ચૂકવવાના આવ્યા છે. પિતાના વારસાની કાનૂની લડાઇમાં અંજુ પટેલનો તેમના ભાઇ પિયૂષ પટેલ અને બહેન ભાવનેત્તા સ્ટુઅર્ટ બ્રાઉન સામે પરાજય થયો હતો.
નોર્થ વેસ્ટ લંડનના હેરોમાં રહેતા લક્ષ્મીકાન્ત પટેલે 6,00,000 પાઉન્ડની એસ્ટેટ વારસામાં અંજુ પટેલને આપી હતી જ્યારે ભાવનેત્તા અને પિયૂષને ફક્ત 250 – 250 પાઉન્ડ જ આપ્યા હતા. જેના પગલે બંને ભાઇ-બહેને અદાલતના દરવાજા ખખડાવ્યા હતા. અદાલતે એસ્ટેટને 3 ભાગમાં વહેંચવાની સાથે અંજુ પટેલને તેના ભાઇ-બહેનને લીગલ કોસ્ટ પેટે 4,00,000 પાઉન્ડ ચૂકવવાનો આદેશ આપ્યો છે.
અંજુ પટેલે દાવો કર્યો હતો કે મારા પિતાએ તેમની સંપત્તિમાંથી મારા ભાઇ-બહેનને કોઇ હિસ્સો નહીં આપવાનો નિર્ણય કર્યો હતો કારણ કે તેમને એમ લાગતું હતું કે, તેઓ ફક્ત તેમની સંપત્તિ પાછળ જ લાગેલા છે. પરંતુ ભાવનેત્તાએ હાઇકોર્ટમાં કેસ દાખલ કરી દલીલ કરી હતી કે અમારા પિતાનું વિલ શંકાસ્પદ છે. પિતાના મોતના ફક્ત બે મહિના પહેલાં આ વિલ કરાયું હતું અને તે સમયે તેઓ હોસ્પિટલમાં ગંભીર રીતે બીમાર હતા.
હવે અંજુ પટેલને બહેન ભાવનેત્તાને થયેલા ખર્ચ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને વકીલોના જણાવ્યા અનુસાર આ રકમ 4,00,000 પાઉન્ડ સુધી પહોંચી શકે છે.

