લંડનઃ ઓલ્ડ બેઈલી કોર્ટે યુકેના સૌથી વિવાદાસ્પદ કટ્ટરવાદી ઈસ્લામિક ઉપદેશક અંજેમ ચૌધરીને ત્રાસવાદી જૂથ ઈસ્લામિક સ્ટેટને સમર્થન આપવાની અન્ય લોકોને હાકલ કરવા બદલ દોષિત ઠરાવ્યો છે. ચૌધરીએ યુટ્યુબ પર પોસ્ટ કરાયેલી અનેક વાતચીતોમાં ઉગ્રવાદી જૂથને ટેકા માટે પ્રોત્સાહન આપ્યું હતું.
આમ તો આ ચુકાદો ૨૮ જુલાઈએ આપી દેવાયો હતો, પરંતુ કાનૂની કારણોસર તેને સૌપ્રથમ વખત હવે રિપોર્ટ કરી શકાયો છે. અંજેમ અને તેના ગાઢ સાથી મોહમ્મદ મિઝાનુર રહેમાનને દોષિત ઠરાવાયા હતા, જેમને છઠ્ઠી સપ્ટેમ્બરે સજાની જાહેરાત કરવામાં આવશે. અંજેમને ૧૦ વર્ષ સુધી જેલની સજા થઈ શકે છે.
અંજેમ અને રહેમાને ૨૦૧૪ના ઉનાળામાં ઈસ્લામિક સ્ટેટ ઈન ઈરાક એન્ડ અલ-શામ/ ધ લેવેન્ટ (Isis) નામે ઓળખાતા જૂથે ખિલાફત અથવા ઈસ્લામિક રાષ્ટ્રની રચના કરી હોવાનું અને જેના માટે મુસ્લિમો દ્વારા આજ્ઞાપાલન અને સમર્થન આવશ્યક હોવાનું જણાવ્યું હતું. તેમણે પ્રવચનો દ્વારા ISને સમર્થન આપવા લોકોને હાકલ કરી તેના નેતા સાથે અધીનતાની જાહેરાત કરી હતી. કાઉન્ટર-ટેરરિઝમ વડાઓએ એક સમયે અલ-મુહાજિરમ સંસ્થાના પ્રવક્તા રહેલા ચૌધરી સામે કાનૂની કાર્યવાહી માટે આશરે ૨૦ વર્ષ ગાળ્યા હતા.


