લંડનઃ અંડકોષને ફ્રીઝ કરીને તમે બાળક મેળવી શક્શો તેવા ખોટા વચનો આપીને મહિલાઓનું શોષણ કરવામાં આવી રહ્યું હોવાનો એક ટોરી સાંસદે આરોપ મૂક્યો છે. મિરિયમ કેટ્સે મહિલા કર્મચારીઓને તેમના અંડકોષ ફ્રીઝ કરવા માટે મોટી કંપનીઓ દ્વારા નાણા ચૂકવવામાં આવે છે. મિરિયમે મહિલાઓને તેમની કારકિર્દીના સ્થાને પરિવારને પ્રાથમિકતા આપવા અપીલ કરી હતી.
મિરિયમે આરોપ મૂક્યો હતો કે અંડકોષ ફ્રીઝ કરવાની ટેકનિક કામ કરતી નથી. બહુ ઓછી મહિલાઓ ફ્રીઝ કરેલા અંડકોષ દ્વારા ગર્ભવતી બની શકે છે. મહિલાઓ એમ વિચારતી હોય છે કે મને હજુ યોગ્ય પુરુષ મળ્યો નથી કે હજુ હું સેટલ થવા માટે તૈયાર નથી પરંતુ દુર્ભાગ્યે જો તમે 35 વર્ષની વય બાદ અંડકોષ ફ્રીઝ કરાવો છો તો તેની ગુણવત્તા સારી હોતી નથી. તેનાથી ગર્ભ ધારણ કરવાની સંભાવના પણ ઘણી ઓછી રહે છે. મને લાગે છે કે મહિલાઓને લક્ષ્યાંક બનાવતી કોમર્શિયલ કંપનીઓ અનૈતિક વર્તન કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, કેટલીક મોટી કંપનીઓ મહિલાઓને અંડકોષ ફ્રીઝ કરાવવા માટે નાણા આપે છે. મને લાગે છે કે આ મહિલાઓનું શોષણ છે. કંપનીઓ એમ કહેતી લાગે છે કે અમે તમને નોકરી પર જાળવી રાખવા માગીએ છીએ અને તેથી અમે તમને ખોટાં વચન આપીએ છીએ.