અંડરવેર્સમાં બેબી પાવડરનો ઉપયોગ કરવા સામે ચેતવણી

Wednesday 09th March 2016 05:39 EST
 
લંડનઃ મહિલાઓને તેમના અંડરવેર્સમાં બેબી ટેલ્કમ પાવડરનો ઉપયોગ કરવા સામે ચેતવણી આપવામાં આવી છે. યુએસની જ્યુરીએ કેન્સર થવાના એક કેસમાં મૃતક મહિલા જેકી ફોક્સના પરિવારને ૭૨ મિલિયન ડોલર (૫૧ મિલિયન પાઉન્ડ)નું વળતર ચુકવવા બેબી પાવડરના ઉત્પાદક જ્હોન્સન એન્ડ જ્હોન્સન કંપનીને આદેશ કર્યો છે. બ્રિટિશ ધારાશાસ્ત્રીઓ પણ આ પ્રકારના કિસ્સામાં આ કેસનો ઉપયોગ કરી શકાય કે કેમ તે વિચારી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર યુકેમાં ૨૦ વર્ષીય યુવતીને ઓવેરિયન કાઉન્સર થવાનું જોખમ ૧૦૦૦માંથી ૧૮ને છે.જેકી ફોક્સના પરિવારે એવી દલીલ કરી હતી કે અંડરવેર્સમાં બેબી પાવડરનો ઉપયોગ કર્યા પછી તેને જીવલેણ કેન્સર થયું હતું. મિસૂરી કોર્ટે વાસ્તવિક ડેમેજરૂપે ૧૦ મિલિયન ડોલર અને દંડાત્મક ડેમેજ તરીકે ૬૨ મિલિયન ડોલરની ચૂકવણીનો આદેશ કર્યો હતો. જોકે, વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આનાથી ગભરાઈ જવાની જરૂર નથી કારણ કે ઓવેરિયન કેન્સર સાથે ટેલ્કમ પાવડરને સાંકળતા પૂરાવા અત્યંત નબળાં છે અને ગુપ્તાંગોની આસપાસ તેના ઉપયોગને જ લાગુ પડે છે.બ્રિટનમાં પણ આ પ્રકારના કિસ્સામાં આ ચુકાદો ઉપયોગમાં લઈ શકાય કે કેમ તે ધારાશાસ્ત્રીઓ વિચારી રહ્યા છે. જોકે, તેઓ એમ પણ માને છે કે બેબી પાવડરથી જ કેન્સર થયું હોવાનું પૂરવાર કરવું તેમના માટે મુશ્કેલ બની રહેશે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના કેન્સર એપિડીમિઓલોજીના પ્રોફેસર પોલ ફેરોહે મિસૂરી કોર્ટના ચુકાદાને ખામીપૂર્ણ ગણાવ્યો છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter