અંતરિયાળ વિસ્તારોમાં પ્રેકટિસ કરનાર ડેન્ટિસ્ટને 20,000 પાઉન્ડ બોનસ આપવાની ઘોષણા

એનએચએસ ખાતે ફરજ બજાવતા ડેન્ટિસ્ટને પણ વિવિધ રોકડ લાભ આપવાની જાહેરાત

Tuesday 13th February 2024 11:09 EST
 
 

લંડનઃ ઇંગ્લેન્ડના જે વિસ્તારોમાં એનએચએસ કેરની સેવાઓની અછત હોય ત્યાં પ્રેકટિસ શરૂ કરનાર ડેન્ટિસ્ટને બોનસ તરીકે 20,000 પાઉન્ડ આપવાની સરકારે જાહેરાત કરી છે. ડેન્ટલ કેરના સ્તરને વિસ્તારવાની યોજના અંતર્ગત નવા દર્દીઓ લેનાર અને શાળાઓમાં જઇને દાંત સાફ કરી આપનાર ડેન્ટિસ્ટને ઊંચા પગાર આપવાની પણ સરકારે જાહેરાત કરી છે. જોકે ડેન્ટિસ્ટ લીડર્સ અને લેબર પાર્ટીએ આ યોજનાની સફળતા પર શંકા વ્યક્ત કરી છે.

બ્રિટિશ ડેન્ટિસ્ટ એસોસિએશને જણાવ્યું છે કે 20,000 પાઉન્ડનું બોનસ ફક્ત 240 ડેન્ટિસ્ટને જ અપાશે જે દેશના કુલ ડેન્ટિસ્ટ પૈકીના એક ટકા જેટલા છે. એનએચએસમાં કામ કરવા માટે સરકારે ડેન્ટિસ્ટોને ઊંચા પગાર ઓફર કરી રહી છે પરંતુ પ્રાઇવેટ માર્કેટમાં ડેન્ટિસ્ટોને તેનાથી વધુ કમાણી થાય છે. એનએચએસમાં કામ કરવા માટે ડેન્ટિસ્ટને ચૂકવાતું વેતન ઘણું ઓછુ છે.

હેલ્થ સેક્રેટરી વિક્ટોરિયા એટકિન્સે જણાવ્યું હતું કે, સરકારે ડેન્ટિસ્ટોની રજૂઆતો સાંભળીને એનએચએસ ખાતેના વેતનમાં વધારો કર્યો છે. હું જાણુ છું કે એનએચએસમાં ડેન્ટલ એપોઇન્ટમેન્ટ મેળવવી કેટલી મુશ્કેલ છે. સરકાર આગામી 12 મહિનામાં 1.5 મિલિયન વધુ ટ્રીટમેન્ટ આપવાનો લક્ષ્યાંક ધરાવે છે.

સરકારે કરેલી જાહેરાત

-          છેલ્લા બે વર્ષથી ડેન્ટિસ્ટની વિઝિટ ન કરી હોય તેવા દર્દીની તપાસ માટે ચૂકવાતા 28 પાઉન્ડની સાથે વધારાના 15 પાઉન્ડ ચૂકવાશે

-          જટિલ સમસ્યા માટે દર્દી દીઠ 50 પાઉન્ડ સુધીનો વધારો

-          શાળાની મુલાકાત લેતી ડેન્ટલ ટીમો ફ્લોરાઇડ વાર્નિશ ટ્રીટમેન્ટ આપશે

-          ઓછા ડેન્ટિસ્ટ હોય તેવા વિસ્તારોમાં મોબાઇલ ડેન્ટલ સર્વિસ શરૂ કરાશે


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter