અંતે ડોમિનિક રાબને નાયબ વડાપ્રધાનપદેથી રાજીનામુ આપવાની ફરજ પડી

રાબ પર સરકારી અધિકારીઓ સાથે તોછડું વર્તન કરવાના સંખ્યાબંધ આરોપ

Tuesday 25th April 2023 14:23 EDT
 
 

લંડન -  ન્યાય મંત્રાલય અને વ્હાઇટ હોલના અન્ય વિભાગોમાં અધિકારીઓ સાથે તોછડા વર્તનના આરોપોનો છેલ્લા કેટલાક મહિનાથી સામનો કરી રહેલા નાયબ વડાપ્રધાન ડોમિનિક રાબને અંતે રાજીનામુ આપવાની ફરજ પડી છે. કન્ઝર્વેટિવ પાર્ટીના આ વરિષ્ઠ સાંસદ પર સરકારી અધિકારીઓ સાથેના તોછડા વર્તનની સંખ્યાબંધ ફરિયાદો નોંધાઇ હતી. રાબના વર્તનના કારણે ઘણા કર્મચારીઓ પરેશાન રહેતા હતા.

પોતાના નિકટના રાજકિય સહયોગીની વિદાયથી વડાપ્રધાન રિશી સુનાકને મોટો ફટકો પડ્યો છે. રાબ સામે અગ્રણી એમ્પ્લોયમેન્ટ બેરિસ્ટર એડમ ટોલી કેસી દ્વારા તપાસ ચાલી રહી હોવા છતાં તેમને જસ્ટિસ સેક્રેટરી અને નાયબ વડાપ્રધાનપદ આપવા મુદ્દે હવે સુનાક સામે સવાલો સર્જાઇ રહ્યાં છે.

ડોમિનિક રાબ સરકારી અધિકારીઓ સાથેના તોછડા વ્યવહારના આરોપો સતત નકારી રહ્યાં હતાં. તેઓ એમ કહેતા રહ્યાં હતાં કે, હું જસ્ટિસ સેક્રેટરી તરીકેના મારા વર્તન સામે થયેલી ફરિયાદો સામે લડત આપતો રહીશ.

રિશી સુનાકનું કહેવું હતું કે, જો ડોમિનિક રાબ તેમની સામેની તપાસમાં તેમના વ્યવહારના ધોરણોમાં જરાપણ ઊણા ઉતર્યાનું જણાશે તો તેમની કેબિનેટમાંથી હકાલપટ્ટી કરાશે. જોકે બેરિસ્ટરનું કામ ફક્ત રાબ સામેની ફરિયાદો સાચી છે કે કેમ તે જ નક્કી કરવાનું હતું જ્યારે તેમની સામે પગલાં લેવાનો નિર્ણય વડાપ્રધાન સુનાકે જ લેવાનો હતો.

રાબના સ્થાને ઓલિવર ડાઉડેન ડેપ્યુટી પીએમ, એલેક્સ ચાક જસ્ટિસ મિનિસ્ટર

લંડન - ડોમિનિક રાબના રાજીનામા બાદ સુનાક સરકારે ઓલિવર ડાઉડેનને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર નિયુક્ત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. ડાઉડેન હાલ સુનાક સરકારમાં કેબિનેટ ઓફિસ મિનિસ્ટરના હોદ્દા પર કાર્યરત છે. ડાઉડેન આ પહેલાં કન્ઝર્વેટિવ પાર્ટીના અધ્યક્ષ હતાં પરંતુ ગયા જૂનમાં પેટાચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીના કારમા પરાજય બાદ તેમણે અધ્યક્ષપદેથી રાજીનામુ આપી દીધું હતું. સુનાક સરકારે ડોમિનિક રાબના સ્થાને જસ્ટિસ મિનિસ્ટર તરીકે એલેક્સ ચાકની નિયુક્તિ કરી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter