અંધકાર પર પ્રકાશના વિજયના પર્વની અદ્દભૂત ઉજવણીઃ મેયર સાદિક ખાન

ટ્રફાલ્ગર સ્કેવર ખાતે દીવાળીની ઉજવણીમાં માનવ મહેરામણ ઉમટ્યો

Tuesday 31st October 2023 12:54 EDT
 
 

લંડનઃ લંડનના મેયર સાદિક ખાન દ્વારા 29 ઓક્ટોબરના રવિવારના રોજ ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે આયોજિત દીવાળીની સત્તાવાર ઉજવણીમાં ખરાબ વરસાદી વાતાવરણ વચ્ચે પણ મોટી સંખ્યામાં ભારતીય ડાયસ્પોરાના લોકો ઉમટી પડ્યાં હતાં. ઉજવણીનો પ્રારંભ રંગબિરંગી વસ્ત્ર પરિધાન કરેલા નૃત્યકારોના નૃત્ય દ્વારા કરાયો હતો. ત્યારબાદ હિન્દુ, શિખ અને જૈન સમુદાયના કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયાં હતાં. આ વર્ષે સબરંગ આર્ટ્સ અને કિનેતિકા વચ્ચેના સહિયારા પ્રોજેક્ટ અંતર્ગત કલાસેતૂ દ્વારા શ્રેણીબદ્ધ ડાન્સ કાર્યક્રમ રજૂ કરાયાં હતાં.

તે ઉપરાંત ડાન્સ વર્કશોપ, યોગ અને મેડિટેશન, રામાયણ પપેટ શો, સોહો થિયેટર કોમેડી અને દેવી દેવતાઓની ઝાંખી આપતા વિવિધ સ્ટોલ ઉજવણી ખાતે રખાયા હતા. મુલાકાતીઓએ હિન્દુ દેવી-દેવતાઓ, સાડી અને પાઘડી બાંધવાના સ્ટોલની મુલાકાત લઇ આનંદમાં ભાગ લીધો હતો. સાઉથ એશિયન ફૂડ સ્ટોલ પર મુલાકાતીઓએ પરંપરાગત શાકાહારી વાનગીઓનો આસ્વાદ માણ્યો હતો.

આ પ્રસંગે મેયર સાદિક ખાને અંધકાર પર પ્રકાશના વિજયના પ્રતિક સમાન દીવાળીના મહત્ત્વ પર ભાર મૂકયો હતો. તેમણે જણાવ્યું હતું કે, આગામી સપ્તાહોમાં સમગ્ર લંડનમાં દીવાળીની ધામધૂમથી ઉજવણી થશે જે ભારત બહાર થતી સૌથી મોટી ઉજવણી છે. તેમણે રવિવારની ઉજવણીને અદ્દભૂત ગણાવી હતી.

ઉજવણીમાં સેન્ટ જ્યોર્જ હોસ્પિટલના ડોક્ટરો હેલ્થ પ્રોટેક્શન એજન્સી, એનએચએસ ઇંગ્લેન્ડ, BAPIO રિસર્ચ અને સાઉથ એશિયન હેલ્થ એક્શન ટીમની સાથે હેલ્થ અવેરનેસ ટેન્ટ ખાતે જોડાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter