અકસ્માત પછી ૧૦ મહિને કોમાંમાંથી જાગેલા જોસેફ ફ્લેવિલને સીધો લોકડાઉનનો અનુભવ

Friday 12th February 2021 05:06 EST
 
 

લંડનઃ ભક્ત કવિ નરસિંહ મહેતાના ભક્તિપદ ‘જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે’થી તદ્દન વિપરીત અનુભવ સ્ટ્રેફોર્ડશાયરના ૧૯ વર્ષના ટીનેજર જોસેફ ફ્લેવિલને થયો છે. જોસેફ કાર અકસ્માત પછી ૧૦ મહિનાથી વધુ સમય કોમામાં રહ્યા પછી જાગ્યો છે ત્યારે તેને સીધો લોકડાઉનનો અનુભવ થતાં તે અને તેનો પરિવાર વિમાસણમાં પડી ગયો છે. તેની મૂર્છાવસ્થા દરમિયાન યુકે અને સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ જે ભયાનકતાનું પ્રદર્શન કર્યું હતું તેને સમજાવવામાં તકલીફ પડી રહી છે.
હકીકત એવી છે કે જોસેફને મે મહિનામાં ગોલ્ડ ડ્યૂક ઓફ એડનબરા એવોર્ડ મળવાનો હતો પરંતુ, ૧ માર્ચ ૨૦૨૦ના દિવસે સેન્ટ્રલ ઈંગ્લેન્ડના સ્ટ્રેફોર્ડશાયરમાં એક કાર સાથે અકસ્માત થતાં તેને મગજમાં તીવ્ર ઈજા થવાથી તે કોમામાં સરી પડ્યો હતો. જોવાની વાત તો એ છે કે આ સમયે કોરોના વાઈરસનું સંક્રમણ ચીનમાં જોર પર હતું અને યુકે સહિત વિશ્વના થોડાં વિસ્તારોમાં તેના ફેલાવાની શરૂઆત થઈ હતી.
જોસેફ કોમામાં હતો તે ગાળામાં કોરોના વાઇરસ સંક્રમણ વધવાથી દેશમાં પ્રથમ રાષ્ટ્રીય લોકડાઉન લાદવામાં આવ્યું હતું. લોકડાઉનના નિયંત્રણોના લીધે પરિવારજનો તેની નજીક રહી શકતા નહોતા અને વીડિયો કોન્ફરન્સિંગની મદદથી જ તેની સંભાળ લેવાતી હતી. જોસેફની આન્ટ કેટ યાર્બોના જણાવ્યા પ્રમાણે જોસેફ કોમામાં હતો ત્યારે તેને પણ બે વખત કોરોના વાઇરસનું સંક્રમણ લાગ્યું હતું અને આઘાતજનક પીડામાંથી પસાર થયો હતો. જોકે આમાંની કોઇ વાતની તેણે અનુભૂતિ કરી નથી.

આંખો આંખોમાં સંવાદ રચાયો

ગયા મહિને પ્લેન કોકપિટમાં રેકોર્ડ કરાયેલી ઓડિયો સંભળાવવામાં આવી ત્યારે તેણે સ્મિત કર્યું હતું. આ વખતે આન્ટ યાર્બોએ ઝૂમ પરથી ભત્રીજાનો સંપર્ક કર્યો હતો. યાર્બોએ કોર્નવોલમાં તેમના પ્રવાસોની યાદો સંભળાવી ત્યારે જોસેફે આંખો પણ ઝપકાવી હતી. જોસેફ વાતને સમજી રહ્યો હતો, પરંતુ પ્રત્યુત્તર આપી શકતો ન હોવાથી આંખના પલકારા હલાવીને તે જવાબ આપી રહ્યો હતો. એક વાર પાંપણ હલાવીને હા અને બે વાર પાંપણ હલાવીને ના જવાબો આપી રહ્યો હતો.
પરિવારની સભ્ય સેલીના જણાવ્યા પ્રમાણે, ‘જોસેફની તબિયત ધીરે ધીરે સુધરી રહી છે. લોકડાઉનના દરેક દિવસે અમે આશા રાખતા હતાં તે થઈ રહ્યું છે. કુટુંબીજનો તેથી આનંદમાં આવી ગયા હતા. અમને લાગ્યું કે તે હવે અમને સાંભળવા લાગ્યો હતો.’ તે હવે હાથ-પગ ઊંચા કરવાની સૂચનાઓ અનુસરે છે તેમજ રમૂજની વાત હોય ત્યારે હસવાનો પ્રયાસ પણ કરે છે.

મહામારી વિશે સમજાવવું મુશ્કેલી

ફ્લેવિલે ધીરે ધીરે વાસ્તવિકતા તરફ પાછા ફરવાની યાત્રા આરંભી છે ત્યારે ગત વર્ષે શું થયું એ તેને કેવી રીતે સમજાવવું તે પ્રશ્ન છે. આન્ટ યાર્બોએ જણાવ્યું હતું કે,‘મને લાગે છે કે આ મોટો આઘાત બની રહેશે. તેને શું અને કઈ રીતે કહેવું તેની અમને વિમાસણ છે. અમે સમજાવીશું અને ન્યૂઝ સ્ટોરીઝ મારફત જ તેને પરિસ્થિતિની ભયાનકતા સમજાશે. ઘણા લોકો કહે છે કે સાયન્સ ફિક્શન ફિલ્મ જોતા હોવાનું તેને લાગશે. જોકે, તમે મહામારીનું વર્ણન ફિલ્મ તરીકે કરી શકો નહિ.’
યાર્બોએ વધુમાં કહ્યું હતું કે ‘જોસેફનો ૧૦ મહિનાનો કોમાનો ગાળો પરિવાર માટે પણ મુશ્કેલ બની રહ્યો હતો. કોવિડ-૧૯ના નિયંત્રણોના લીધે પરિવારના સભ્યો શારીરિક રીતે જોસેફની સાથે રહી શકતા ન હતા. તેની માતા માટે જોસેફને સ્ક્રીનમાંથી જોતાં રહીને લાગણીઓને રોકવી ઘણી મુશ્કેલ હતી. તેનો હાથ પકડી પાસે બેસી રહેવાનું શક્ય ન હતું.’
પરિવાર દ્વારા ‘Joseph's Journey’ નામે એક વેબસાઈટ પણ તૈયાર કરાઈ છે જેમાં, તેના સાજા થવાના અપડેટ્સ તેમજ તેની સારસંભાળના ખર્ચમાં મદદ મળે તે માટે દાનની પણ સુવિધા રખાઈ છે. જોસેફ માર્ગ અકસ્માતનો ભોગ બનીને કોમામાં પહોંચી ગયો તે પહેલાં સારો ખેલાડી હતો. આજે સેન્ટ્રલ ઇંગ્લેન્ડની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યો છે. તેના પરિવારે ભંડોળ એકઠું કરવાની શરૂઆત કરી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter