અક્ષતા મૂર્તિના શેરહોલ્ડિંગ મામલે નિયમોના ઉલ્લંઘનની તપાસમાં રિશી સુનાકને ક્લીનચીટ

સુનાકે જાણીજોઇને નિયમનું ઉલ્લંઘન કર્યું નથીઃ પાર્લામેન્ટના કમિશ્નર ફોર સ્ટાન્ડર્ડ્સ

Tuesday 29th August 2023 11:53 EDT
 
 

લંડનઃ બ્રિટિશ પાર્લામેન્ટની સ્ટાન્ડર્ડ વોચડોગ એજન્સીએ જણાવ્યું છે કે વડાપ્રધાન રિશી સુનાકે સરકારની નવી પોલિસીમાંથી લાભ મેળવનાર ચાઇલ્ડકેર કંપનીમાં તેમની પત્નીની હિસ્સેદારીની યોગ્ય જાહેરાત કરી નહોતી. જોકે તેમણે જાણી જોઇને આમ કર્યું નથી.

સુનાકના પત્ની અક્ષતા મૂર્તિ ચાઇલ્ડકેર સેક્ટર માટે સરકાર દ્વારા જાહેર કરાયેલી સહાયમાંથી લાભ મેળવનારી કંપનીમાં શેરહોલ્ડર હોવાના મીડિયા અહેવાલોને પગલે વિપક્ષે સવાલો ઉઠાવ્યા બાદ એપ્રિલ મહિનામાં પાર્લામેન્ટના કમિશ્નર ફોર સ્ટાન્ડર્ડ્સે તપાસ શરૂ કરી હતી. કમિશ્નર ડેનિયલ ગ્રીનબર્ગે તપાસના તારણો જાહેર કરતાં જણાવ્યું હતું કે, વરિષ્ઠ સાંસદોની કમિટી દ્વારા પોલિસી અંગે સવાલો ઉઠાવવામાં આવ્યાં ત્યારે સુનાકે તેમની પત્નીની હિસ્સેદારી જાહેર કરવી જોઇતી હતી. મને મળેલી માહિતીને ધ્યાનમાં લેતાં મેં નિર્ણય કર્યો છે કે સુનાક દ્વારા જાણી જોઇને નિયમોનું ઉલ્લંઘન કરાયું નથી. તેથી હવે આ મામલો બંધ કરી દેવામાં આવે છે.

ગ્રીનબર્ગ નિયમોનું ઉલ્લંઘન કરનારા સાંસદો સામે પગલાં લેવાની ભલામણ કમિટીને કરી શકે છે. કમિટી સંસદસભ્યને પાર્લામેન્ટમાંથી હાંકી કાઢવાની સત્તા ધરાવે છે. ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે, હું સુધારા પ્રક્રિયા દ્વારા આ તપાસ સમાપ્ત કરી રહ્યો છું. આ સુધારા પ્રક્રિયા અંતર્ગત સાંસદે માફી માગવી પડે છે અથવા તો તેના આર્થિક હિતો અંગે રજિસ્ટરમાં સુધારા કરવા પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter