લંડન
વડાપ્રધાન રિશી સુનાક સામે હાઉસ ઓફ કોમન્સની એથિક્સ વોચડોગ દ્વારા તપાસ શરૂ કરાઇ છે. રિશી સુનાક પર ચાઇલ્ડ કેર બિઝનેસમાં તેમની પત્નીના હિતો જાહેર નહીં કરવાનો આરોપ મૂકાયો છે. બજેટમાં ચાઇલ્ડ કેર માટે 4 બિલિયન પાઉન્ડની ફાળવણીની ચર્ચા કરતી વખતે વડાપ્રધાને અક્ષતા મૂર્તિના હિસ્સા અંગેનો ઉલ્લેખ કર્યો નહોતો તેવી ટીકાઓ બાદ પાર્લામેન્ટરી કમિશ્નર ડેનિયલ ગ્રીનબર્ગે તપાસ શરૂ કરી છે. અક્ષતા મૂર્તિ કોરુ કિડ્સ નામની ચાઇલ્ડકેર એજન્સીમાં હિસ્સો ધરાવે છે અને નવી નીતિના કારણે આ એજન્સીને લાભ થઇ શકે છે.
ગયા મહિને હઉસ ઓફ કોમન્સની લાયઝન કમિટી સમક્ષ હાજર થયા ત્યારે રિશી સુનાકને સરકારની ચાઇલ્ડ કેર નીતિઓ અંગે સંખ્યાબંધ સવાલો કરાયા હતા પરંતુ તેમણે તેમની પત્નીના શેરહોલ્ડિંગ અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરી નહોતી. કમિટીને પાઠવેલા ફોલોઅપ લેટરમાં સુનાકે જણાવ્યું હતું કે, મિનિસ્ટરિયલ કોડ અંતર્ગત મારી પત્નીના શેરહોલ્ડિંગ અંગે કોઇપણ પ્રકારના ટકરાવને ટાળવા માટે કેબિનેટ ઓફિસને જાણ કરવામાં આવી હતી. નવી યાદી પણ ટૂંકસમયમાં જાહેર કરી દેવાશે. મને કમિટી દ્વારા એક વડાપ્રધાનની હેસિયતમાં સવાલો કરાયા હતા.
ડાઉનિંગ સ્ટ્રીટે તમામ આરોપો નકારી કાઢતાં જણાવ્યું છે કે રિશી સુનાકે તે સમયે નિયમોનું કોઇ ઉલ્લંઘન કર્યું નહોતું. તેમણે ફક્ત મિનિસ્ટરિયલ રજિસ્ટરમાં જ આ માહિતી જાહેર કરવાની હતી. 10 ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે કમિશ્નરને તમામ પ્રકારની સહાય અને સ્પષ્ટતા કરવા તૈયાર છીએ. જોકે બોરિસ જોનસન વડાપ્રધાન હતા ત્યારથી એટલે કે મે 2022થી આ રજિસ્ટરને પબ્લિશ કરાયું નથી.


