લંડન
યુકેના વડાપ્રધાન રિશી સુનાકના પત્ની અક્ષતા મૂર્તિને ભારતની બીજા ક્રમની સૌથી મોટી આઇટી કંપની ઇન્ફોસિસમાંના તેમના શેરહોલ્ડિંગ પર 68.17 કરોડ રૂપિયાની ડિવિડન્ડ પેટે આવક થઇ છે. ડિસેમ્બર 2022ના અંતે અક્ષતા મૂર્તિ ઇન્ફોસિસમાં 3.89 કરોડ શેર ધરાવતા હતા. ઇન્ફોસિસે 2023ના નાણાકિય વર્ષ માટે પ્રતિ શેર રૂપિય 17.50નું ડિવિડન્ડ જાહેર કર્યું છે. જો અક્ષત બીજી જૂન સુધી આટલું શેર હોલ્ડિંગ ધરાવતા હશે તો તેમને ડિવિડન્ડ પેટે રૂપિયા 68.17 કરોડ ચૂકવાશે. આ પહેલાના નાણાકિય વર્ષમાં ઇન્ફોસિસે પ્રતિ શેર 31 રૂપિયા ડિવિડન્ડ પેટે ચૂકવ્યા હતા. જેના પગલે અક્ષતાને ડિવિડન્ડ પેટે રૂપિયા 120.76 કરોડની આવક થઇ હતી. ગયા સપ્તાહમાં ગુરુવારે બજાર બંધ થયું ત્યારે ઇન્ફોસિસના શેરની કિંમત રૂપિયા 1388.60 રહી હતી તે હિસાબે અક્ષતા ઇન્ફોસિસમાં રૂપિયા 5400 કરોડનું શેરહોલ્ડિંગ ધરાવે છે. ઇન્ફોસિસના ફાઇલિંગ અનુસાર કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો 13.11 ટકા છે જેમાંથી મૂર્તિ પરિવારનો હિસ્સો 3.6 ટકા છે. ઇન્ફોસિસમાં નારાયણ મૂર્તિ 0.40 ટકા, તેમના પત્ની સુધા મૂર્તિ 0.82 ટકા, પુત્ર રોહન 1.45 ટકા અને પુત્રી અક્ષતા 0.93 ટકા હિસ્સો ધરાવે છે.
ઇન્ફોસિસના શેર ગગડતાં અક્ષતાએ એક જ દિવસમાં રૂ. 500 કરોડ ગુમાવ્યાં
ગયા સોમવારે ભારતીય શેરબજાર ઉઘડતાં જ ઇન્ફોસિસના શેરોમાં કડાકો બોલી જતાં અક્ષતા મૂર્તિની સંપત્તિમાં 49 મિલિયન પાઉન્ડ એટલે કે રૂપિયા 500 કરોડનું ધોવાણ થયું હતું. બ્રિટિશ વડાપ્રધાનના પત્ની અક્ષતા ઇન્ફોસિસમાં 0.94 ટકાનો શેરહિસ્સો ધરાવે છે. ઇન્ફોસિસના નબળા પરિણામો બાદ સોમવારે તેના શેરોમાં 9.4 ટકાનો ઘટાડો થયો હતો.


