લંડનઃ NHSમાં નર્સીસ અને મિડવાઈવ્ઝની ભારે અછતનો સામનો કરવા વિદેશી વર્કર્સ માટે અંગ્રેજી ભાષાની પરીક્ષાનું લેવલ વર્તમાન ૭ની જગ્યાએ હળવું કરી ૬.૫ કરવાનો પ્રસ્તાવ છે. યુકેમાં કામ કરવા માટે નર્સીસ અને મિડવાઈવ્ઝનું રજિસ્ટ્રેશન જરુરી ગણાય છે. ધ નર્સિંગ એન્ડ મિડવાઈફરી કાઉન્સિલ (NMC) દ્વારા ૨૮ નવેમ્બરે પ્રસ્તાવ પર વિચાર થવાનો છે.
NMC દ્વારા ઈન્ટરનેશનલ ઈંગ્લેશ લેંગ્વેજ ટેસ્ટ સિસ્ટમ (IELTS)માં સુધારા કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે. આ પરીક્ષામાં લેખન, વાંચન, સાંભળવા અને બોલવાનો સમાવેશ થાય છે, જેમાં પાસ થવા ૭નું લેવલ રખાયું છે. ભવિષ્યમાં લેખનમાં પાસ થવા ૬.૫નું લેવલ રાખવામાં આવશે.
NMC દ્વારા લેંગ્વેજ ટેસ્ટ હળવા બનાવાયાની આ પ્રથમ ઘટના નથી. નવેમ્બર ૨૦૧૭માં પણ ટેસ્ટ સુધારાયા પછી ઈયુ બહારથી આવતી નર્સીસની સંખ્યામાં ૮૦ ટકાનો વધારો થયો હતો. આંકડા પ્રમાણે એપ્રિલ અને જૂનના ગાળામાં દર મહિને સરેરાશ ૪૪૦ બિન-ઈયુ નર્સ રજિસ્ટરમાં નોંધાઈ હતી, જેની સરખામણીએ અગાઉના નવ મહિનાની સરેરાશ મહિને ૨૩૭ની હતી.વધેલા કાર્યબોજ અને તણાવના કારણે એક વર્ષમાં સરેરાશ ૩૩,૦૦૦ નર્સ નોકરી છોડે છે. હાલ માત્ર ઈંગ્લેન્ડમાં જ નર્સીસની અછત ૪૨,૦૦૦ની અને ડોક્ટર્સની અછત ૧૧,૫૦૦ની છે. NHSમાં ભરતીની કટોકટી એવી છે કે દર ૪૦૦ નોકરીની જાહેરાત કરાય તેની સામે દેશના કેટલાક વિસ્તારોમાં માત્ર એક નર્સની ભરતી કરાય છે.