લંડનઃ યુકેમાં ડોક્ટરોની ભારે અછતને પહોંચી વળવા એનએચએસ 2000 ભારતીય ડોક્ટરની તાકિદના ધોરણે ભરતી કરશે. એનએચએસના સૂત્રોના જણાવ્યા અનુસાર એનએચએસ ડોક્ટરોની પહેલી બેચ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ટ્રેનિંગનો પ્રારંભ કરશે. 6થી 12 મહિનાની આ ટ્રેનિંગ બાદ ભારતીય ડોક્ટરોને બ્રિટનની હોસ્પિટલોમાં નિયુક્ત કરાશે. તેમને ટ્રેનિંગ પૂરી કર્યા બાદ પ્રોફેશનલ એન્ડ લિન્ગ્વિસ્ટિક એસેસમેન્ટ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષામાંથી મુક્તિ અપાશે.
ડોક્ટરોની અછત વેઠી રહેલા એનએચએસ માટે આ પગલું કેટલીક રાહત લઇને આવી શકે છે પરંતુ ભારતની હેલ્થકેર સિસ્ટમમાંથી બ્રેઇન ડ્રેઇન થવાનો ભય સેવાઇ રહ્યો છે. ડો. સુચિન બજાજ કહે છે કે એનએચએસની હોસ્પિટલમાં નિયુક્ત મળવાથી બ્રિટનમાં સેટલ થવાનો પરવાનો મળી જશે નહીં પરંતુ આ નિયુક્તિ દ્વારા મૂલ્યવાન અનુભવ મળી રહેશે. આ પ્રોજેક્ટને બ્રિટન સરકાર દ્વારા આડકતરો સપોર્ટ છે કારણ કે સરકાર જ એનએચએસની હોસ્પિટલોને ભંડોળ પુરું પાડે છે. તેમ છતાં આ પ્રોજેક્ટ પર નેશનલ મેડિકલ કાઉન્સિલ જેવી સરકારી સંસ્થાઓ કામ કરી રહી નથી અને એનએચએસની હોસ્પિટલો દ્વારા તેનું સંચાલન થઇ રહ્યું છે. જ્ઞાન અને નિપુણતાની આ પ્રકારની આપ-લેથી બંને દેશની હેલ્થકેર સિસ્ટમને લાભ થશે.